Bhavnagar Investment Scam: ભાવનગરમાં ઊંચા વળતરની લાલચ આપી નાણા બમણા કરી આપવાના નામે રુ. 4.72 કરોડથી વધુની છેતરપિંડી આચર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદની એક મહિલા સામે ભાવનગરના 20થી વધારે રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાનો ગંભીર આરોપ છે. આ મામલે ફરિયાદી વૃદ્ધે મહિલા વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.
સમગ્ર ઘટનાની વિગત
ભાવનગરના દેવુબાગ વિસ્તારમાં આવેલા સાંકેત રેસિડેન્સીમાં રહેતા અને કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા 75 વર્ષીય ચંદ્રકાન્ત ધનજીભાઈ જોશીએ અમદાવાદના શેલા વિસ્તારમાં રહેતી નિમિત્સા વિમલકુમાર વ્યાસ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે, આરોપીલ મહિલા નિમિત્સા વ્યાસ ચંદ્રકાન્તભાઈની દીકરીની મિત્ર હોવાથી પરિવારના સંપર્કમાં આવી હતી. જાન્યુઆરી 2025માં તેણે પોતાની 'હેત વેલ્થ ક્રિએશન ગ્રુપ' નામની કંપનીમાં રોકાણ કરાવી ટૂંક સમયમાં નફો અને મોટી રકમ આપવાની લોભામણી સ્કીમો રજૂ કરી હતી.
નકલી વેબપેજ બનાવી વિશ્વાસમાં લીધા
આરોપી મહિલાએ ગુગલ સાઈટ પર પોતાની કંપનીનું બનાવટી વેબપેજ બનાવ્યું હતુ. જેમાં તેણે પોતાને ફાઉન્ડર અને ઓનર તરીકે દર્શાવી હતી. આ પ્રોફાઈલ બતાવીને તેણે રોકાણકારોનો વિશ્વાસ જીતી લીધો હતો. પ્રારંભમાં ફરિચાદી ચંદ્રકાન્તભાઈ અને તેમના પત્નીએ કટકે કટકે રુ. 1.18 કરોડનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ આરોપી મહિલાએ સગાસંબંધીઓ અને મિત્રો સહિત કુલ 20 રોકાણકારો પાસેથી કુલ રુ.4.72 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું હતું.
વાયદો પૂરો ન થતાં ફોન સ્વિચ ઓફ કર્યો
રોકાણની મુદત પૂરી થતાં જ્યારે રોકાણકારોએ પોતાના નાણાં પરત માંગ્યા, ત્યારે મહિલા અવારનવાર ખોટા વાયદા આપવા લાગી હતી. ડિસેમ્બર 2025થી તેણે પોતાના ફોન બંધ કરી તમામ રોકાણકારોના નંબર બ્લોકમાં નાખી દીધા હતા.જ્યારે રોકાણકાર ચંદ્રકાંતભાઈને છેતરપિંડીનો અહેસાસ થતાં તેમણે પોલીસ કેસ કરવાનું નક્કી કર્યું હતું.
પોલીસ ફરિયાદ નોંધાઈ
છેતરપિંડીનો ભોગ બનેલા વૃદ્ધની ફરિયાદને આધારે ભાવનગના નિલમબાગ પોલીસ મથકમાં આરોપી મહિલા નિમિત્સા વિમલકુમાર વ્યાસ સામે બીએનએસની કલમ 316 (2) અને 316(5) હેઠળ ગુનો નોંધીને કાનૂની કાર્યવાહી શરુ કરી છે.
