Western Railway: મુસાફરોની સુવિધા અને આગામી તહેવારો દરમિયાન થતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા ભાવનગર અને વેરાવળથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડતી બે જોડી સાપ્તાહિક વિશેષ ટ્રેનોના ફેરામાં એક માસનો વધારો કરવામાં આવ્યો છે. ભાવનગર રેલ્વે સ્ટેશનના ડીઆરએમ દિનેશ વર્માએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, આ નિર્ણયથી મુંબઈ જતાં મુસાફરોને મોટી રાહત મળશે.
આગામી તહેવારો અને રજાઓના દિવસોમાં મુસાફરોની વધતી ભીડ તેમજ માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવનગર-બાંદ્રા-ભાવનગર સ્પેશિયલ ટ્રેનોની નવી તારીખો
- ભાવનગર-બાંદ્રા ટર્મિનસ ટ્રેન: અગાઉ આ ટ્રેન 30 જુલાઈ સુધી દોડવાની હતી, જે હવે 27 ઓગસ્ટ સુધી દોડશે.
- બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક વિશેષ ટ્રેન: આ ટ્રેનની મુદત 31 જુલાઈથી લંબાવીને 28 ઓગસ્ટ કરવામાં આવી છે.
વેરાવળ-બાંદ્રા-વેરાવળ સ્પેશિયલ ટ્રેનની નવી તારીખ
- વેરાવળ-બાંદ્રા ટર્મિનસ (ટ્રેન): અગાઉ આ ટ્રેન 27 જુલાઈ સુધી દોડવાની હતી, જે હવે 31 ઓગસ્ટ સુધી દોડશે
- બાંદ્રા-વેરાવળ (ટ્રેન): આ ટ્રેન 26 જુલાઈના બદલે હવે 30 ઓગસ્ટ સુધી દોડાવાશે.
મુસાફરોને શું થશે ફાયદો
ભાવનગર રેલ્વે ડિવિઝનના ડીઆરએમ દિનેશ વર્માના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી ભાવનગર, વેરાવળ અને સૌરાષ્ટ્રના અન્ય મહત્વપૂર્ણ સ્ટેશનોના મુસાફરોને મુંબઈ જવા-આવવા માટે વધારાની કન્ફર્મ સીટ અને વધુ રેલ સુવિધા મળશે. તહેવારોના સમયમાં ટિકિટ કન્ફર્મે્શન મેળવવામાં પણ રાહત મળશે.
વેરાવળ – ગાંધીનગર કેપિટલ ઈન્ટરસિટી એક્સપ્રેસ રદ
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદ અને ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે આજે, 26 જુલાઈ 2026ના રોજ દોડનારી ટ્રેન નંબર 19120 વેરાવળ – ગાંધીનગર કેપિટલ ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવે પ્રશાસનના જણાવ્યા અનુસાર, છાલોડી (CE) – વિરમગામ જંકશન (VG) વચ્ચેના રેલવે ટ્રેક પર તેમજ વિરમગામ જંકશન (VG) સ્ટેશન વિસ્તારમાં ભારે પાણી ભરાઈ જવાના કારણે ટ્રેન વ્યવહાર સુરક્ષિત ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
