Bhavnagar News: ભાવનગરના ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં વેપારી પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કરાયો હોવાનો બનાવ બન્યો છે. દુકાન પાસે થડો પાથરવા મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્રરૂપ ધારણ કરી લીધુ હતું. શાકભાજીને વેપારીએ પોતાની દુકાન પાસેથી બટેટાનો થડો હટાવવાનું કહેતા શખ્સ છરી લઇને મારવા દોડ્યો હતો. બનાવ અંગે વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો વ્યવસાય કરતા રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજા સવારના સમયે તેમની દુકાને પહોંચ્યા ત્યારે ચંદન રણજીતભાઈ નામનો શખ્સ તેમની દુકાનની બરાબર સામે બટેટાનો થડો પાથરીને બેઠો હતો. રાજેન્દ્રસિંહે તેને પોતાની દુકાન સામેથી થડો હટાવવા જણાવ્યું હતું. આટલી વાત પરથી ચંદન રણજીતભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. તેણે મારે અહીંયા જ ધંધો કરવાનો છે અને તારે જે થાય તે કરી લે તેમ કહી છરી કાઢીને રાજેન્દ્રસિંહ પર હુમલો કરવા દોડ્યો હતો.
ઘટના સ્થળે હાજર અન્ય વેપારી મિત્રોએ તાત્કાલિક વચ્ચે પડીને ચંદનને પકડી લીધો હતો અને રાજેન્દ્રસિંહ પરનો હુમલો અટકાવ્યો હતો. આ ઘટના બનતા જ ચંદન રણજીતભાઈ ત્યાંથી ભાગી ગયો હતો, પરંતુ જતા જતા તેણે આજે તો રહી ગયો, હવે બીજી વાર મળીશ તો જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી આપી હતી. આ ગંભીર બનાવ બાદ રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજાએ તાત્કાલિક બોરતળાવ પોલીસ મથકે ચંદન રણજીતભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે BNS 352, 351(3), અને જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો
આ ઘટનાને પગલે ચિત્રા માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગના વેપારીઓમાં ભય અને અસંતોષ વ્યાપી ગયો છે. વેપારીઓએ આ અંગે તાત્કાલિક એક બેઠક યોજી હતી અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા સેક્રેટરીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે આ અંગે જણાવ્યું હતું કે, આવા હિંસક હુમલાઓ વારંવાર બનતા રહે છે, ખાસ કરીને પરપ્રાંતીય વ્યક્તિઓ દ્વારા.
તેમણે યાર્ડમાં વેપારીઓની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને આવા હિંસક તત્વોને યાર્ડમાં પ્રવેશતા અટકાવવા કડક પગલાં લેવાની માંગ કરી છે. વેપારીઓએ રજૂઆત કરી હતી કે, તેમની જાનને જોખમ હોય તેવા પરપ્રાંતીયો યાર્ડમાં પ્રવેશે નહીં અને કોઈને હેરાન ન કરે, તે માટે યાર્ડ સત્તાધીશો દ્વારા તાત્કાલિક નક્કર કાર્યવાહી કરવામાં આવે, જેથી શાંતિપૂર્ણ વાતાવરણમાં વેપાર થઈ શકે.
