Bhavnagar: ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલ સમીપ કોમ્પલેક્સમાં ભીષણ આગના પગલે અફરાતફરી મચી જવા પામી હતી. કોમ્પલેક્સના બેઝમેન્ટમાં લાગેલી આગની ચપેટમાં ઉપર આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલ અને લેબોરેટરી પણ આવી ગઈ હતી. જેના કારણે હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓના સગાઓમાં દોડધામ મચી ગઈ હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કાળુભા રોડ પર ચિલ્ડ્રન હોસ્પિટલ વાળા સમીપ કોમ્પલેક્સના બેઝમેન્ટમાં આવેલા પાર્કિંગમાં આગ લાગી હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટા ત્રણ માળના બિલ્ડિંગમાં ફેલાઈ ગયા હતા.
#WATCH | Bhavnagar, Gujarat | Massive fire breaks out at Dev Pathology Lab in the Kala Nala area of Bhavnagar city. Locals quickly got into action and began rescuing and evacuating the children and elderly. Fire teams on the spot. Further details awaited. pic.twitter.com/qptGGkLCz3
— ANI (@ANI) December 3, 2025
સમીપ કોમ્પલેક્સમાં ચિલ્ડ્રન હોસ્પિટલ હોવાના કારણે દર્દીઓના સગા અને સ્ટાફમાં દેકારો મચી ગયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે જીવના જોખમે રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું હતુ. ફાયર વિભાગની ટીમે હોસ્પિટલની બારીમાંથી ચાદરમાં વિંટાળેલા 7 જેટલા નવજાત તેમજ અન્ય મળીને કુલ 19 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યું કર્યું હતુ.
આગ એટલી તીવ્ર હતી કે, પાર્કિંગમાં રહેલ 12 ટુ-વ્હીલર અને 2 ફોર વ્હીલર બળીને રાખ થઈ ગયા હતા. જો કે 5 જેટલા ફાયર ફાઈટરો દ્વારા 18 હજાર લીટર પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
ધુમાડાની અસરના કારણે શ્વાસ ગુંગળાઈ જવાથી અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 5 નવજાત બાળકો સહિત 10 લોકોની સારવાર ચાલી રહી છે. જ્યારે અન્ય 2 નવજાતને વધુ સારવાર અર્થે પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
