Bhavnagar Rain News: હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. તેમા સૌથી વધારે ભાવનગર શહેર, મહુવા અને સિહોરમાં પડ્યો છે.
ભાવનગરમાં વરસાદ ખાબક્યો
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો
આ સમયગાળા દરમિયાન પાલીતાણા તાલુકામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.
જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો
જિલ્લાના અન્ય તાલુકાઓની વિગત જોઈએ તો, ભાવનગર શહેરમાં 3.39 ઈંચ, મહુવા (ભાવનગર) માં 3.27 ઈંચ અને સિહોરમાં 3.23 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલ્લભીપુરમાં 3.11 ઈંચ અને ઉમરાળામાં 2.83 ઈંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના અન્ય પંથકોમાં પણ મેઘમહેર યથાવત રહી છે, જેમાં ઘોઘામાં 2.56 ઈંચ અને ગારીયાધારમાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જેસરમાં 2.13 ઈંચ અને તળાજામાં 2.09 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાર્વત્રિક વરસાદથી જિલ્લાના ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે કારણ કે આ વરસાદ ખેતીના પાક માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.
આજે નોંધાયેલો વરસાદ
આજે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સિહોર, મહુવામાં 1 ઈંચ, ઉમરાળા, તળાજા, વલ્લભીપૂર, પાલિતાણા, ગાળિયાધાર અને ભાવનગર શહેરમાં વરસાદ નોંધાયો છે.
