Bharuch News: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાંથી પસાર થતી મહત્વપૂર્ણ એવી ઢાઢર નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં વસતા નાગરિકો અને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકને કારણે ઢાઢર નદીનું પાણી 97 ફૂટની સપાટી સુધી પહોંચી ગયું છે. આ અચાનક વધેલા જળસ્તરના કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને દાદાપોર અને મહાપુરા તેમજ તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.
વરસાદી માહોલ વચ્ચે ઉપરવાસમાંથી ઘૂઘવતા પ્રવાહ સાથે આવતું પાણી નદીમાં ભળતા જળસ્તરમાં ખૂબ જ ઝડપથી વધારો નોંધાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પાણીનો પ્રવાહ અટકવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે કાંઠા વિસ્તારના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ખેડૂતોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ
ઢાઢર નદીના વધેલા પાણીનો સીધો અને મોટો પ્રભાવ આસપાસના ખેતી વિસ્તારો પર પડી રહ્યો છે. નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે અન્નદાતાઓની ચિંતામાં મોટો વધારો થયો છે.ખેડૂતોનું કહેવું છે કે જો પાણીનો આ પ્રવાહ લાંબો સમય સુધી યથાવત રહેશે તો ખેતરોમાં તૈયાર થઈ રહેલા ઉભા પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે. ચોમાસાની આ સિઝનમાં નદીના કાંઠાના ખેડૂતો માટે જળસ્તર વધવું એ દર વર્ષે એક મોટી સમસ્યા બની રહે છે.ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી માત્ર પાકના કુલ ઉત્પાદન પર જ વિપરીત અસર પડે છે તેવું નથી.પરંતુ ખેતીનો ખર્ચ પણ વધી જાય છે. હાલ સમગ્ર પંથકના ખેડૂતો કુદરતી રાહતની આશા સાથે નદીના જળસ્તરમાં ઘટાડો થાય તેની રાહ જોઈને બેઠા છે.
વહીવટી તંત્ર એલર્ટ મોડ પર: સતત મોનિટરિંગ
નદીના વધતા જળસ્તર અને સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે એલર્ટ મોડ પર આવી ગયું છે. તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. ઉપરવાસમાંથી છોડાતા કે આવતા પાણીની માત્રા, નદીની સપાટી અને કાંઠાના ગામોની સ્થિતિ અંગે પળેપળની માહિતી મેળવવામાં આવી રહી છે. સંબંધિત અધિકારીઓ દ્વારા નદીકાંઠાના તમામ ગામોના સરપંચો અને અગ્રણીઓ સાથે સતત સંપર્ક જાળવી રાખવામાં આવ્યો છે, જેથી આપત્તિ કે જરૂરિયાતના સમયે ત્વરિત અને અસરકારક કાર્યવાહી કરી શકાય.
