Bhuj News: કચ્છના ભુજ તાલુકાના કુકમા ગામમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં પારિવારિક કંકાસથી કંટાળીને 150 ફૂટ ઊંડા બોરવેલમાં ઝંપલાવનાર 20 વર્ષીય પરપ્રાંતીય યુવક રૂસ્તમ શેખનો 9 કલાકના લાંબા રેસ્ક્યુ ઓપરેશન છતાં જીવ બચાવી શકાયો નથી. રાતભર ચાલેલી સઘન બચાવ કામગીરી બાદ યુવકને બહાર કાઢી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં સર્વત્ર શોક છવાઈ ગયો હતો.
ગઇકાલે સાંજે બોરવેલમાં પડ્યો હતો યુવક
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઝારખંડનો વતની અને હાલ કુકમા ગામની સીમમાં આશાપુરા ટેકરી નજીક એક વાડીમાં મજૂરી કરતો 20 વર્ષીય રૂસ્તમ શેખ નામનો યુવક શનિવારે મોડી સાંજે પોતાના પરિવાર સાથે કોઈ બાબતે ઝઘડો થતાં આવેશમાં આવી ગયો હતો. આ ઘરકંકાસથી કંટાળીને તેણે વાડીમાં આવેલા જમીનથી અંદાજે ત્રણ ફૂટ ઊંચા એક ખુલ્લા બોરવેલમાં ઝંપલાવી દીધું હોવાની શંકા છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરી હતી.
બનાવની જાણ થતાં જ ભુજ પ્રાંત અધિકારી, મામલતદાર, 108ની ટીમ અને પધ્ધર પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. યુવક અંદાજે 150 ફૂટની ઊંડાઈએ ફસાયો હોવાનું જાણવા મળ્યું હતું. યુવકને જીવતો બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું.

રવિવારે વહેલી સવાર સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું
ભુજ ફાયર વિભાગે જણાવ્યા મુજબ, યુવકને સુરક્ષિત બહાર કાઢવા માટે શનિવારે મોડી સાંજથી રવિવારે વહેલી સવાર સુધી સતત કામગીરી ચાલી હતી. આશરે નવ કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં ભુજ ફાયર વિભાગના 15 સભ્યો, આર્મીના જવાનો અને સ્થાનિક બોરવેલ બનાવતા યુવકોની ટીમો જોડાઈ હતી. યુવક જીવિત રહે તે માટે બોરવેલની અંદર પાઇપલાઇન મારફતે સતત ઓક્સિજન પૂરો પાડવામાં આવતો હતો અને કેમેરાની મદદથી તેની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી.
લોખંડના હૂકને દોરડા વડે બાંધી ગરગડી મારફતે બોરવેલમાં ઉતાર્યો
રાતભરના પ્રયાસો છતાં જ્યારે સફળતા ન મળી, ત્યારે અંતે દેશી પદ્ધતિ અપનાવવામાં આવી હતી. લોખંડના હૂકને દોરડા વડે બાંધી ગરગડી મારફતે બોરવેલની અંદર ઉતારવામાં આવ્યો હતો. આ હૂક યુવકના કપડામાં ફસાવી તેને ધીમે ધીમે બહાર ખેંચી કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યુ બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રૂસ્તમ શેખને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં બચાવ ટીમના સભ્યો અને ઉપસ્થિત સૌ કોઈમાં શોક છવાઈ ગયો હતો.
