Vadodara News: વડોદરાના ગોરવા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક અકસ્માતની ઘટના બની હતી, જ્યાં ગોરવા શાક માર્કેટ નજીક ફૂટપાથ પર સૂઈ રહેલા શ્રમજીવી પરિવારના ચાર સભ્યોને બેદરકાર ટેમ્પો ચાલકે કચડી નાખ્યા હતા. ડ્રાઇવિંગ લાઇસન્સ વગરના યુવાનને ટેમ્પો ચલાવવા આપતાં સર્જાયેલા આ અકસ્માતમાં મહેમુદભાઈ મકવાણા, પૂજા મકવાણા, રિયા મકવાણા અને સાવન મકવાણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે બે યુવાનોની અટકાયત કરી છે.
બનાવની પ્રાવ્ત વિગત અનુસાર, વડોદરાની ગોરવા શાક માર્કેટ પાસે શ્રમજીવી પરિવાર ફૂટપાથ પર સૂતો હતો, ત્યારે અચાનક એક ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી ટેમ્પો સીધો જ નિદ્રાધીન શ્રમજીવી પરિવાર પર ચડાવી દીધો હતો. આ ઘટનામાં પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઈજાગ્રસ્તોમાં પિતા મહેમુદભાઈ મકવાણા, તેમની દીકરીઓ પૂજા મકવાણા અને રિયા મકવાણા તેમજ સાવન મકવાણાનો સમાવેશ થાય છે. ચારેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગોત્રી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ઈર્જાગ્રસ્ત વૃદ્ધ મહેમુદ મકવાણાનાનો શરીરનો એક ભાગે આ ઘટનાના કારણે કામ કરવાનું પણ બંધ કરી દીધું છે.
પરિવાર તથા સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ આ અકસ્માત ટેમ્પો ચાલકની બેદરકારી અને લાપરવાહીનું પરિણામ છે. જણાવાય છે કે ટેમ્પો ચાલકે પોતાની સાથે આવેલા એક યુવાનને ચાવી સોંપી હતી, જ્યારે કે તેને ડ્રાઇવિંગ આવડતું જ નહોતું. આ અજાણ્યા યુવાને ટેમ્પો ચાલુ કરતાં જ ત્યાં ફૂટપાથ પર આરામ કરી રહેલા આખા પરિવારને કચડી નાખ્યા હતા. પરિવારનો દાવો છે કે ટેમ્પો ચલાવનાર પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતું. માહિતી અનુસાર આ યુવાન વ્યવસાયે ચોળાફળી વેચે છે અને ટેમ્પો ચલાવતા આવડતો ના હોવા છતાં, તેણે ચાવી લઈને વાહન હંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહેવાસીઓ, જેમાં તોસીફ પઠાણ સહિત અનેક લોકોએ તાત્કાલિક સ્થળે પહોંચી પરિવારને મદદરૂપ થયા હતા. તોસીફ પઠાણે જણાવ્યું કે આ ઘટના માત્ર અકસ્માત નહીં પરંતુ ગંભીર બેદરકારીનું પરિણામ છે અને પીડિત પરિવરને ન્યાય મળે તે માટે વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે. ટેમ્પો ચાલક ઘટના બાદ ભાગી જવાનો પણ પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ગોરવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં બે યુવાન ની અટકાયત કરી લીધી છે.
આ ઘટના બાદ ગોરવા વિસ્તારમાં તંત્ર પ્રત્યે લોકોમાં આક્રોશ વ્યાપી રહ્યો છે. શ્રમજીવી પરિવારોની સુરક્ષા અને બેદરકાર ડ્રાઇવિંગ સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે. પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને પીડિત પરિવરને યોગ્ય ન્યાય મળે તે માટે લોકો સહાનુભતિ જતાવી રહ્યા છે.
