Gujarat Rain: અષાઢ મહિનાના આરંભ સાથે જ ગુજરાતમાં ધીમે-ધીમે વરસાદી માહોલ જામવા માંડ્યો છે. પહેલા રાઉન્ડમાં કોરાધાકોર રહેલા કચ્છ જિલ્લામાં પણ મેઘકૃપા વરસી રહી છે. ખાસ વાત એ છે કે, આજે અષાઢી બીજે કચ્છીમાડુઓ પોતાનું નવું વર્ષ મનાવી રહ્યા છે, ત્યારે જ આકાશમાંથી કાચું સોનું વરસતા લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે.
સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી 92 તાલુકામાં વરસાદ વરસ્યો
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 92 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 46 મિ.મી (1.8 ઈંચ) વરસાદ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ખાબક્યો છે.
આ સિવાય સુરતના માંગરોળમાં 38 મિ.મી (1.5 ઈંચ), બારડોલીમાં 38 મિ.મી (1.5 ઈંચ), રાજકોટના પડધરીમાં 35 મિ.મી (1.3 ઈંચ) તેમજ ભરૂચના નેત્રંગમાં 29 મિ.મી (1.1 ઈંચ) વરસાદ પડ્યો છે.
જ્યારે બપોરે 4 થી સાંજે 6 વાગ્યા સુધીના વીતેલા 2 કલાકમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી રાજકોટના પડધરીમાં સૌથી વધુ 19 મિ.મી., સુરેન્દ્રનગરના ચોટીલામાં 17 મિ.મી., અમદાવાદના સાણંદમાં 16 મિ.મી., ધંધુકામાં 14 મિ.મી, ભાવનગરના પાલિતાણામાં 13 મિ.મી વરસાદ વરસ્યો છે. આમ આજે આખા દિવસ દરમિયાન જોઈએ તો, 6 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 4 તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
નવા વર્ષે કચ્છમાં મેઘમહેર, રાપરમાં રસ્તા પર પાણી ફરી વળ્યા
જૂનના અંતમાં શરૂ થયેલા વરસાદના પ્રથમ રાઉન્ડમાં કચ્છ જિલ્લો કોરોધાકોર રહેતા ખેડૂતો ચિંતિત જોવા મળ્યા હતા. જો કે આજે અષાઢી બીજે કચ્છી નવું વર્ષ છે, ત્યારે કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છ જિલ્લાના રાપર, ભૂજ, ગાંધીધામ, ભચાઉ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જે પૈકી રાપરમાં 2 કલાકમાં સૌથી વધુ 43 મિ.મી (1.6 ઈંચ) વરસાદ ખાબકતા રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
