Kutch: ફિલ્મી સ્ટોરીને આંટી મારે તેવી મુરુ ગામના યુવકની મર્ડર મિસ્ટ્રીઃ આડાસબંધમાં હાથ-પગ અને માથું કાપી બોરવેલમાં પધરાવી દીધા

મુરુના રમેશને ગામની જ પરિણીતા સાથે પ્રેમસબંધ હતા. જેની જાણ થતાં શાતિર આરોપીઓએ રમેશની હત્યાનો કારસો ઘડ્યો હતો. મૃતકનું ધડ બોરવેલ નજીક જમીનમાં દાટી દીધુ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 09 Dec 2025 06:07 PM (IST)Updated: Tue 09 Dec 2025 06:07 PM (IST)
kutch-crime-news-muru-village-murder-mystry-due-to-love-affairs-652371
HIGHLIGHTS
  • રમેશ 6 દિવસથી ગુમ થતાં પરિવારે પોલીસને જાણ કરી
  • મૃતકના અંગો બહાર કાઢવા માટે ટીમો ધંધે લાગી

Kutch: કચ્છ જિલ્લાના નખત્રાણાના મુરૂ ગામના 20 વર્ષીય યુવાનની પરિણીત મહિલા સાથેના આડા સબંધને કારણે ક્રુરતાપૂર્વક હત્યા નીપજાવી દેવાઈ હોવાની ઘટના સામે આવી છે.

6 દિવસ અગાઉ યુવક ગુમ થતા પોલીસે શકમંદ આરોપીને ઉઠાવી પૂછપરછ કરતા બે શખ્સે યુવકને મોતને ઘાટ ઉતારી ધારિયાથી માથું અને હાથ કાપી બોરવેલમાં નાખી દીધા હતા. જયારે ધડને જમીનમાં દાટી દીધાની કબૂલાત કરતા પોલીસે ઘટના સ્થળેથી યુવકના ધડને શોધી લઇ અન્ય અંગો બોરવેલમાંથી બહાર કાઢવાની કવાયત શરૂ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મુરૂ ગામના 20 વર્ષીય રમેશભાઈ પુંજાભાઈ મહેશ્વરીની ગામના જ આરોપી કિશોર મહેશ્વરી અને સગીરવયના આરોપીએ હત્યા નીપજાવી છે. મૃતક યુવક ગત 2 ડિસેમ્બરથી ગાયબ હતો. આ બાબતે નખત્રાણા પોલીસે ગુમ થવાની નોંધ દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી હતી.

પોલીસની તપાસ દરમિયાન આરોપી કિશોર શંકાના દાયરામાં આવતા પોલીસે તેને ઉઠાવ્યો હતો. જેની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

મૃતક યુવકને આરોપીના કુટુંબની પરિણીત મહિલા સાથે આડા સબંધ હતા. જેની જાણ થતા બન્ને આરોપીઓએ સાથે મળી હત્યા નીપજાવવાનો કારસો ઘડ્યો હતો. જે બાદ યુવકને ગામની સીમમાં લઇ જઈ મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જે બાદ આરોપીઓએ ધારિયાથી યુવકનું માથું અને હાથપગ કાપી નાખી બોરવેલમાં નાખી દીધા હતા. જયારે મૃતકનું ધડ બોરવેલની બાજુમાં જ જમીન અંદર દાટી દીધુ હતુ. હાલ પોલીસે બન્ને આરોપીને રાઉન્ડઅપ કરી લેવાયા છે અને મૃતકના અંગોની શોધખોળ ચાલુ છે.

નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, મામલતદાર રાકેશ પટેલ, નખત્રાણા પીઆઇ એ. એમ. મકવાણા, પીએસઆઇ આર. ડી. બેગડિયા સહિત તંત્રની ટીમો સ્થળ પર શોધખોળમાં લાગી છે.

આરોપીઓએ યુવકની ક્રુરતાપૂર્વક હત્યા નિપજાવ્યા બાદ સીમમાં આવેલા અલગ અલગ ત્રણ બોરવેલમાં અંગો નાખી દીધા હતા.યુવકનું માથું,હાથ-પગ અને હત્યા માટે ઉપયોગમાં લેવાયેલ હથિયાર પણ આરોપીઓએ બોરવેલમાં નાખી દઈ ઉપરથી પથ્થરો નાખી દીધા હતા તેવું સૂત્રોએ જણાવ્યું હતું.