ગુજરાત પોલીસની ડ્રગ્સ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક, કચ્છના કુખ્યાત પેડલર પિન્ટુ યાદવની રૂ.22.31 લાખની મિલકત જપ્ત

છેલ્લા 3 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ કેસમાં SAFEMA હેઠળ મિલકત જપ્ત કરાવવાની પ્રથમ અને સૌથી સફળ કામગીરી પૂર્વ કચ્છ પોલીસે કરી બતાવી છે, જે રાજ્યના અન્ય તમામ પોલીસ યુનિટ્સ માટે એક રોલ મોડેલ સાબિત થઈ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 06 Aug 2026 05:16 PM (IST)Updated: Thu, 06 Aug 2026 05:16 PM (IST)
kutch-news-gujarat-police-seizes-rs-2231-lakh-property-of-gandhidham-drug-peddler
HIGHLIGHTS
  • ડ્રગ પેડલરોની આર્થિક કમર તોડવા ગુજરાત પોલીસનો આક્રમક અભિગમ

Kutch News: રાજ્યના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને ગુજરાતમાંથી માદક પદાર્થોનું નેટવર્ક જડમૂળથી ઉખાડી ફેંકવા ગુજરાત પોલીસે હવે અત્યાર સુધીની સૌથી કડક વ્યૂહરચના અમલી બનાવી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સ્પષ્ટ સૂચનાઓ અને રાજ્યના પોલીસ વડા જી.એસ.મલિકના આદેશથી પોલીસે માત્ર ડ્રગ્સ પકડવા અને ગુનેગારોને જેલભેગા કરવાથી આગળ વધીને કાળી કમાણીથી ઊભી કરેલી મિલકતો જપ્ત કરવાની ઝુંબેશ શરૂ કરી છે.

ડ્રગ્સનો ગેરકાયદે વેપાર કરીને વસાવેલી સ્થાવર અને જંગમ મિલકતોનો કાયદાકીય હિસાબ મેળવી તેને સરકારી ચોપડે જપ્ત કરવામાં આવી રહી છે. ગુનેગારો સામે SAFEMA/NDPSA (Smugglers and Foreign Exchange Manipulators Act, 1976) હેઠળ આકરી કાયદાકીય કાર્યવાહી કરીને તેમના આર્થિક નેટવર્કને ધ્વસ્ત કરવાનો આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે.

આ ઝુંબેશના ભાગરૂપે, સરહદી રેન્જ ભુજ-કચ્છ આઈજીપી શ્રી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારની દેખરેખ હેઠળ SOG ટીમે એક મજબૂત કાયદાકીય કેસ તૈયાર કર્યો હતો. આ કેસ SAFEMA કોમ્પેટેન્ટ ઓથોરિટી, મુંબઈ ખાતે મોકલી આપીને સફળતાપૂર્વક મિલકત જપ્તીનો આદેશ મેળવવામાં આવ્યો છે.

છેલ્લા 3 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ કેસમાં SAFEMA હેઠળ મિલકત જપ્ત કરાવવાની પ્રથમ અને સૌથી સફળ કામગીરી પૂર્વ કચ્છ પોલીસે કરી બતાવી છે, જે રાજ્યના અન્ય તમામ પોલીસ યુનિટ્સ માટે એક રોલ મોડેલ સાબિત થઈ છે.

ગાંધીધામ ખાતે અગાઉ 3 થી 4 વાર માદક પદાર્થોની હેરાફેરીમાં પકડાઈ ચૂકેલા કુખ્યાત આરોપી પિંટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવ વિરૂદ્ધ SOG ટીમે આકરી કાર્યવાહી કરી છે.

તપાસમાં ખુલાસો થયો હતો કે, આરોપીએ પોતે અને પોતાની પત્નીના નામે ડ્રગ્સના કાળા કારોબારમાંથી મિલકતો વસાવી હતી. આરોપીએ રૂ. 15 લાખનું મકાન અને ત્રણ વાહનો મળીને કુલ રૂ. 22,31,000ની મિલકત વસાવી હતી જેને કચ્છ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે.