Kutch: છેલ્લા 2 દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે પશ્ચિમ કચ્છ-ભૂજમાં સપાટો બોલાવીને મહત્ત્વની સફળતા મેળવી છે. જેમાં મુન્દ્રા વિસ્તારમાં બે અલગ-અલગ ઠેકાણે દરોડા પાડીને રૂ.3.26 કરોડના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ગત 22 નવેમ્બરના રોજ મુન્દ્રા સ્થિત નિર્મન કોમ્પલેક્સ નજીક દરોડો પાડીને બે કન્ટેનર સાથેનું ટ્રેલર પકડ્યું હતુ. જેની તલાસી લેતામાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી શરાબની 11,371 બોટલો (અંદાજિત કિંમત રૂ. 1.54 કરોડ) અને ટ્રક સહિત 1.82 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ મામલે માનકુવા પોલીસ સ્ટેશનના બુટલેગર અનુપસિંહ રાઠોડ સહિત 4 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.
જ્યારે ગઈકાલે મુન્દ્રા પોર્ટ રેલવે સ્ટેશનના યાર્ડમાં એક કન્ટેનરનો કબજો લેવાયો હતો. જેમાં અલગ-અલગ બ્રાન્ડની 12,600 બોટલો (અંદાજિત કિંમત રૂ. 1.42 કરોડ) સહિત કુલ 1.43 કરોડનો મુદ્દામાજ જપ્ત કર્યો હતો. જેમાં દારૂ મોકલનાર અને મંગાવનાર અજાણ્યા ઈસમો 2 આરોપીને વોન્ટેડ જાહે કર્યાં હતા.
આમ છેલ્લા 2 દિવસ દરમિયાન જપ્ત કરાયેલા દારૂની કુલ બોટલ નંગ 24,331 છે, જેની બજાર કિંમત રૂ. 2,97,52,300/- થાય છે. બંને કેસોમાં ઉલ્લેખનીય બાબત એ છે કે, આ IMFL જથ્થો મેસર્સ બાલાજી ટ્રેડીંગ કંપની, ફિરોજપુર, પંજાબ ખાતેથી રેલ્વેના માધ્યમથી ટ્રેન મારફતે ગુજરાતમાં પ્રવેશ કરાવવામાં આવી રહ્યો હતો.
વધુમાં, પકડાયેલા દારૂના બેચ નંબરના સ્ટીકર અને કોડનો નાશ કરવામાં આવ્યો હતો, જેથી સપ્લાય ચેઇનની માહિતી છુપાવી શકાય. SMC દ્વારા આ બન્ને ગુનામાં કુલ 6 આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુના દાખલ કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
