Kutch SMC raid: ગુજરાત રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એન.એલ. રાવની કચ્છ મુલાકાત પહેલા જ ભુજ તાલુકાના પધ્ધર પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) સપાટો બોલાવ્યો છે. દારૂના કટિંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પડવાથી નાસભાગ મચી ગઈ હતી. SMC ટીમ દ્વારા બે શખ્સોની ધરપકડ કરવા સાથે કુલ રૂ. 5 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ભુજ નજીક વડવાળા ગામ સર્વે નં. 39 માં દારૂનું કટિંગ થતું હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું. આ દરોડામાં ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો કહી શકાય તેટલો રૂ. 4 કરોડનો 56,088 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પધ્ધર પોલીસ મથક વિસ્તારમાં વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક સ્ટેટ મોનિટરિંગ સેલ-જખઈ ટીમે દરોડો પાડી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો રૂ. 4 કરોડના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે જ બે શખ્સોની ધરપકડ કરી ત્રણ ટ્રક તેમજ એક યુટીલીટી સહિત વાહનો સાથે રૂ. 5 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલની આ કાર્યવાહીને કારણે પોલીસ બેડામાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. આ દારૂનો જથ્થો કચ્છના 11 નામચીન બુટલેગરોએ મંગાવ્યો હતો. જેમાં 11 બુટલેગર અને સપ્લાયર સહિત 23 શખ્સોના નામ ખુલ્યા છે. તમામ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
