Botad News: બોટાદ માર્કેટયાર્ડમાં વેચાણ માટે આવતા ખેડૂતોના કૃષિ ઉત્પાદનોમાં વેપારીઓ દ્વારા થતા વજન કપાતના વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મુદ્દે ખેડૂતોના આંદોલન બાદ હવે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસે બોટાદના હળદળ ગામે ખેડૂત સંમેલનનું આયોજન જાહેર કર્યું છે. જોકે, આ સંમેલન મળે તે પહેલાં જ રાજ્યના ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામકે એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને રાજ્યના તમામ માર્કેટયાર્ડમાં ખેડૂતોના માલના વજનમાં કપાત બંધ કરવાનો આદેશ કર્યો છે.
વજન અને ભાવની સ્પષ્ટતા માટે નિયામકનો કડક આદેશ
સહકાર વિભાગ હેઠળના ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામકે રાજ્યની તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ના ચેરમેન અને સેક્રેટરીઓને આદેશ આપ્યો છે કે, ખેડૂતોના ખેત પેદાશોની હરાજી બાદ થતા તોલ અને ભાવની સ્પષ્ટતા જાળવવામાં આવે.
પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, વેપારીઓએ હરાજી બાદ બજાર સમિતિના વજનકાંટા પર જ માલનું વજન કરવું અને તે વજનમાં કોઈપણ પ્રકારની કપાત કરવી નહીં. હરાજીમાં પડેલા ભાવ મુજબ જ થયેલા વજનની સંપૂર્ણ કિંમત ખેડૂતને ચૂકવવી અને તેનું બિલ આપવું. સૌથી અગત્યની બાબત એ છે કે, વે-બ્રિજ ઉપર થયેલા ચોખ્ખા વજનમાં વે-બ્રિજ ફરક કે વધારાનું વજન અથવા અન્ય રજ તરીકેનું વજન કપાત કરવાનું રહેશે નહીં.
અન્ય ચાર્જ વસૂલવાની મનાઈ અને ભાડાનું વળતર
નિયામકે અન્ય ચાર્જિસ અંગે પણ સ્પષ્ટતા કરી છે. હવેથી માત્ર બજાર સમિતિ દ્વારા મંજૂર કરાયેલા પેટા કાયદા-31 અન્વયે પુરવણી નંબર-11 મુજબ થતી દાગીનાની રકમ જ ખેડૂતના બિલમાંથી કપાત કરી શકાશે, અન્ય કોઈ ચાર્જ વસૂલી શકાશે નહીં.
વધુમાં, જો ખરીદનાર વેપારી ખેડૂતના જ સાધનમાં માલ તેની જિનિંગ ફેક્ટરી, ઓઇલ મિલ કે ગોડાઉન પર લઈ જવા ઈચ્છે, તો ખેડૂતને તે વાહનના ભાડા પેટે રોકડમાં વળતર આપવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, હરાજી સમયે ખેત પાકની ગુણવત્તા તપાસીને જ ભાવ બોલવા માટે પણ APMCના હોદ્દેદારોને આદેશ કરાયો છે. બોટાદના ખેડૂત આંદોલનને પગલે સહકાર વિભાગનો આ પરિપત્ર ખેડૂતો માટે એક મોટી રાહતરૂપ સાબિત થશે.
