Botad News: સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગઢડા તાલુકાના ભીમડાદ ગામથી ટાટમ ગુરુકુળ (ગઢડા-બોટાદ રોડ) સુધી 18 નવેમ્બર, 2025ના રોજ જિલ્લા કક્ષાના પદયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે આઠ કિલોમીટર લાંબા આ પદયાત્રા રૂટમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત લગભગ છ હજાર જેટલી જનમેદની જોડાશે તેવી અપેક્ષા છે.
આ યાત્રાનો લગભગ ત્રણ કિલોમીટરનો હિસ્સો બોટાદથી ગઢડા જતા મુખ્ય નેશનલ હાઈવે પર આવેલો છે, જે અત્યંત વ્યસ્ત માર્ગ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા, કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જાહેર શાંતિ તથા સલામતી સુનિશ્ચિત કરવા માટે ગઢડા હાઈસ્કૂલ ચાર રસ્તાથી બોટાદ શહેર સુધીના મુખ્ય માર્ગને આવન-જાવન માટે બંધ કરવામાં આવશે. તેમજ વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.
પદયાત્રા દરમિયાન વૈકલ્પિક માર્ગો
જાહેરનામાની અમલવારીના સમયગાળા દરમિયાન, વાહનચાલકોએ નીચે મુજબના વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે:
- વૈકલ્પિક રૂટ-1 (ગઢડાથી બોટાદ તરફ જવા માટે): ગઢડા – ઉગામેડી – નિંગાળા – પાટી – તાજપર – બોટાદ.
- વૈકલ્પિક રૂટ-2 (બોટાદથી ગઢડા તરફ આવવા માટે): તાજપર – પાટી – નિંગાળા – ઉગામેડી – ગઢડા.
આ જાહેરનામું 18 નવેમ્બર, 2025ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું ઇમરજન્સી (આકસ્મિક) સેવાઓ પૂરી પાડતા વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમ અથવા જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાનો અમલ કરાવવા અને તેના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરજ પરના કોઈપણ હેડ કોન્સ્ટેબલ અથવા તેનાથી ઉચ્ચ અધિકારીને સત્તા આપવામાં આવી છે.
ઘાસચારા અને રખડતા ઢોર પરના પ્રતિબંધો
- ઘાસચારાના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ: ગઢડા તાલુકાના ભીમડાદ ગામથી ટાટમ ગામ અને ત્યાંથી ટાટમ ગુરુકુળ (ગઢડા-બોટાદ રોડ) સુધીના જાહેર માર્ગો, ફૂટપાથ અને અન્ય જાહેર સ્થળો ખાતે કોઈપણ વ્યક્તિ ઘાસચારાનું વેચાણ કરી શકશે નહીં કે જાહેરમાં ઘાસચારો નાખી શકશે નહીં.
- રખડતા ઢોર પર નિયંત્રણ: ઉપરોક્ત રૂટ પર માલિકીના ઢોરને જાહેરમાં અથવા રસ્તાઓ પર છોડી મૂકવા નહીં કે તેમને રખડતા ભટકતા રહેવા દેવામાં આવશે નહીં.
આ જાહેરનામાનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ અથવા તેનાથી ઉચ્ચ પોલીસ અધિકારીને સત્તા આપવામાં આવી છે. આ જાહેરનામું 18 નવેમ્બર, 2025ના રોજ સંપૂર્ણ દિવસ અમલમાં રહેશે.
