Botad: બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસમથક વિસ્તારમાંથી માનવતાને શર્મશાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 70 વર્ષના એક નરાધમ વૃદ્ધે 14 વર્ષની માસૂમ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દીધી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બોટાદના એક ગામના રહેતા અરજણ ખોડાભાઇ (70) નામના વૃદ્ધે ગામની એક 14 વર્ષીય કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. વૃદ્ધે કિશોરીના પિતાને મારી નાખવાની ધમકી આપી તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. સગીરાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં આ કિશોરીએ બાળકને જન્મ આપતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.
બીજી તરફ આ બનાવની જાણ થતાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જેમણે પીડિતાની મુલાકાત લીધી હતી.
હાલ તો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હવસખોર અરજણની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલ્યો છે. જો કે આ ઘટનાએ રાજ્યમાં મહિલા સુરક્ષાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
