Botad: વેજળકા નજીક પુરપાટ જતી કાર ધડાકાભેર સિમેન્ટ બેરિકેટ સાથે ભટકાઈ, 3ના મોત; 2ને ઈજા

મૃતકો મહેસાણા જિલ્લાના વિસનગરના વતની હતી, જેઓ ભાવનગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે કારને અકસ્માત નડ્યો. 2 ઈજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 26 Oct 2025 07:16 PM (IST)Updated: Sun 26 Oct 2025 07:16 PM (IST)
botad-news-3-killed-in-speeding-car-hits-cement-barricade-on-ahmedabad-bhavnagar-highway-627039
HIGHLIGHTS
  • રોડની કામગીરી ચાલતી હોવાથી સિમેન્ટની આડશ મૂકવામાં આવી હતી

Botad: બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાંથી પસાર થતા અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર આવેલ વેજળકા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક બેકાબુ કાર ધડાકાભેર સિમેન્ટ બેરિકેટ સાથે ભટકાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 2 ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર વેજળકા ગામ નજીક હાઈવે પર કામગીરી ચાલતી હોવાથી રોડ પર સિમેન્ટના બ્લોકની આડશ મૂકીને બેરિકેટ બનાવવામાં આવ્યું છે. આજે ભાવનગર તરફ પુરપાટ ગતિએ પસાર થઈ રહેલી કાર ધડાકાભેર આ સિમેન્ટની આડશ સાથે ભટકાઈ હતી.

આ અકસ્માતમાં કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બીજી તરફ અકસ્માત બાદ 108 અને પોલીસ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જ્યાં કારમાં સવાર બે મહિલા અને એક પુરુષ મળીને ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત જાહેર કર્યાં હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં ભાવનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

હાલ તો કોઠ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકો મહેસાણા જિલ્લાના વિસનગરના વતની હતા, જેઓ ભાવનગર તરફ જઈ રહ્યા હોવાનું માલૂમ પડ્યું છે.