સાળંગપુરધામમાં અત્યાધુનિક ગૌશાળા બનશેઃ અનંત અંબાણીના જન્મદિને પરિવારે હનુમાનજીના ચરણોમાં રૂ. 10 કરોડની ગૌ-સેવા અર્પણ કરી

સાળંગપુરમાં 28 એકરના વિશાળ પરિસરમાં સ્વીડનની પ્રખ્યાત કંપનીના સહયોગથી રૂ. 15 કરોડના ખર્ચે ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટમાં અંબાણી પરિવાર મુખ્ય યજમાન તરીકે જોડાયો.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 08 Apr 2026 08:43 PM (IST)Updated: Wed 08 Apr 2026 08:43 PM (IST)
botad-news-ambani-family-to-build-modern-gaushala-in-salangpur-with-rs-15-crore-project-724259
HIGHLIGHTS
  • અંબાણી પરિવાર દ્વારા દાદાના સાનિધ્યમાં મારુતિ યજ્ઞનનું આયોજન કરાયું

Botad: બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભક્તિ અને સેવાનો એક અલૌકિક સંગમ સર્જાયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના 31માં જન્મદિનના શુભ અવસરે અંબાણી પરિવારે દાદાના ચરણોમાં રૂ.10 કરોડની ગૌ-સેવા અર્પણ કરી છે.

આ માટે સાળંગપુર ધામના 28 એકરના વિશાળ પરિસરમાં સ્વીડનની 130 વર્ષ જૂની વિખ્યાત DeLaval કંપનીના સહયોગથી રૂ. 15 કરોડના કુલ ખર્ચે અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં અંબાણી પરિવાર ‘મુખ્ય યજમાન’ તરીકે જોડાયો છે.

અંબાણી પરિવાર દ્વારા આ ભવ્ય શ્રી કષ્ટભંજન દેવ ગૌશાળા નિર્માણ કાર્ય એક ‘અવિસ્મરણીય સંભારણું’ બનાવવામાં આવશે. આ ગૌશાળામાં 500 ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ સેવામાં અંબાણી પરિવાર સિવાય અન્ય કોઈ દાતાનો સહયોગ લેવામાં આવશે નહીં.

આ તકે સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસે આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે, દેશના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હોવા છતાં અંબાણી પરિવારના પાયામાં જે ધર્મપરાયણતા અને સનાતન સંસ્કારો છે તે વંદનીય છે. માતૃશ્રી કોકિલાબા, મુકેશભાઈ, નીતાબેન, આકાશભાઈ-શ્લોકાબેન, ઈશાબેન-આનંદભાઈ તથા અનંતભાઈ-રાધિકાબેન સહિત સમગ્ર અંબાણી પરિવાર પર દાદાની કૃપા કાયમ વર્ષતી રહે તેવી અમારી પ્રાર્થના છે.

અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દાદાના સાનિધ્યમાં ખાસ 'મારુતિયજ્ઞ'નું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારની આ ગૌ-ભક્તિ આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહેશે.