Sarangpur Dham: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે અમાસના પવિત્ર અવસરે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને અત્યંત ભવ્ય અને રૌદ્ર એવા 'શસ્ત્ર શૃંગાર' ધરાવવામાં આવ્યા હતા. મંગળવાર અને અમાસના વિશેષ સંયોગને પગલે વહેલી સવારથી જ દાદાના દિવ્ય દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

દિવ્ય શસ્ત્રો અને મયૂરાકાર મુકુટનો શણગાર
પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી 14-07-2026, મંગળવારના રોજ દાદાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં હનુમાનજી દાદાને ચાંદીનો કલાત્મક મયૂરાકાર મુકુટ પહેરાવવામાં આવ્યો હતો. શૌર્ય અને વીરરસના પ્રતીક તરીકે દાદાને ભાલા, તલવારો, ઢાલ, ધનુષ-બાણ, પરશુ અને કટાર જેવા પરંપરાગત શસ્ત્રો ધરાવવામાં આવ્યા હતા. લાલ અને મરૂન રંગની શાહી ઢાલ દાદાના શૃંગારની શોભામાં અનેરો વધારો કરી રહી હતી.

મંગળા અને શણગાર આરતીમાં ભક્તોનું ઘોડાપૂર
દિવસની શરૂઆત વહેલી સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલી મંગળા આરતીથી થઈ હતી. ત્યારબાદ સવારે 07:00 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આ બંને આરતીમાં મોટી સંખ્યામાં લોકો ભાવવિભોર થઈને જોડાયા હતા. દાદાને સુંદર રેશમી વસ્ત્રો તેમજ કિંમતી આભૂષણો ધારણ કરાવીને શક્તિના અવતાર તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.

ભાવિકો માટે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા
મંગળવાર હનુમાનજીનો વાર હોવાથી અને સાથે અમાસ હોવાથી ભીડને ધ્યાનમાં રાખીને મંદિર વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ દર્શનાર્થીઓ માટે મંદિર તરફથી નિશુલ્ક અને સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ દાદાના આ શક્તિશાળી સ્વરૂપના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ધન્યતા અનુભવી હતી.
