Bodeli Accident: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા તાંદલજા ગામ પાસેથી પસાર થતી વખતે ગત રાત્રે આશરે 9 વાગ્યે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહનની ટક્કરથી બાઇક પર સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ બાઇક લગભગ 600 મીટર દૂર ફંગોળાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવાર રોડ પર ફંગોળાયા
મૃતકોની ઓળખ વાસણા ગામના રહેવાસીઓ કનુભાઈ રોહિત (ઉ.વ. 62), બાબરભાઈ પરમાર (ઉ.વ. 53) અને ધુરાભાઈ પરમાર (ઉ.વ. 66) તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ત્રણેય વ્યક્તિઓ બોડેલી ખાતે એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે બાઇક પર નીકળ્યા હતા. રાત્રે જ્યારે તેઓ તાંદલજા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે આવેલા અજાણ્યા વાહનચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાવહ હતી કે ત્રણેય રોડ પર ફંગોળાઈ ગયા હતા અને માથામાં ગંભીર ઈજાઓને કારણે તેઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ બોડેલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. બોડેલી પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી, ટક્કર મારનાર વાહન અને તેના ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદથી વાહનની ઓળખ કરવા માટે સઘન તપાસ ચાલી રહી છે. આ કરુણ દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં શોક સાથે ભારે રોષ વ્યાપી ગયો છે, કારણ કે આ વિસ્તારમાં પૂરપાટ ઝડપ અને બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ કરુણ દુર્ઘટનાને કારણે વાસણા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક ત્રણેય વ્યક્તિઓ તેમના પરિવારના મુખ્ય કમાઉ સભ્યો હતા, જેના કારણે તેમના પરિવારજનો પર આભ ફાટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક ગ્રામજનોએ રોડ પર સુરક્ષા વધારવા અને વાહનોની ઝડપ નિયંત્રિત કરવા માટે તંત્ર તાત્કાલિક કડક પગલાં ભરે તેવી જોરદાર માંગ કરી છે.
