Chhota Udepur Paddy Cultivation: રાજ્યમાં ચોમાસાના વિલંબ અને વરસાદી સિસ્ટમ સક્રિય ન થવાના કારણે મધ્ય ગુજરાતના ખેડૂતો પર ગંભીર આકાશી આફત તોળાઈ રહી છે. મધ્ય ગુજરાતના પાંચ મુખ્ય જિલ્લા વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર અને દાહોદમાં સ્થિતિ દિનપ્રતિદિન વિકટ બની રહી છે.
છોટાઉદેપુરમાં વિકટ સ્થિતિ, નદી-નાળા સુકાયા
મધ્ય ગુજરાતના પાંચ જિલ્લા પૈકી સૌથી કફોડી સ્થિતિ છોટાઉદેપુર જિલ્લાની જોવા મળી રહી છે. ચાલુ સિઝનમાં છોટાઉદેપુરમાં માત્ર 13.47 ટકા અને દાહોદમાં 19.69 ટકા જ વરસાદ નોંધાયો છે. આ જિલ્લામાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થતી હોવા છતાં, સિંચાઈની પૂરતી સુવિધાઓના અભાવે મોટાભાગની ખેતી વરસાદ પર જ નિર્ભર રહે છે.
અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 22.05 ટકા જ વરસાદ નોંધાયો છે, જેને કારણે ખેતીની સાથે સાથે આગામી સમયમાં પીવાના પાણીની અછત ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ ન પડવાથી ભૂગર્ભ જળસ્તર સતત નીચે જઈ રહ્યા છે, જેના કારણે કૂવા અને હેન્ડપંપો સુકાવા લાગ્યા છે અને નદી-નાળાં પણ સુકા ભઠ્ઠ બની ગયાં છે.
પાવીજેતપુરમાં ખરીફ વાવેતર ઠપ
વરસાદની અનિયમિતતા અને અછતની સૌથી સીધી અસર પાવીજેતપુર તાલુકામાં જોવા મળી છે, જ્યાં અત્યાર સુધી માત્ર 175 એમ.એમ. વરસાદ જ પડ્યો છે. કૃષિ વિભાગના આંકડા અનુસાર, ગત વર્ષે પાવીજેતપુરમાં કુલ 1,14,304 હેક્ટરમાં ખરીફ વાવેતર થયું હતું. જેની સામે આ વર્ષે અત્યાર સુધી માત્ર 22,461 હેક્ટરમાં જ વાવેતર શક્ય બન્યું છે.
ડાંગર અને કપાસના વાવેતરમાં ઘટાડો
તાલુકાના મુખ્ય પાકોના વાવેતરમાં ભારે ઘટાડો નોંધાયો:
- ડાંગર: ગત વર્ષના 12,449 હેક્ટર સામે આ વર્ષે માત્ર 1,261 હેક્ટરમાં જ વાવેતર થયું છે, જેમાં 90 ટકાનો માતબર ઘટાડો જોવા મળ્યો છે.
- કપાસ: ગત વર્ષના 64,639 હેક્ટર સામે ઘટીને માત્ર 12,522 હેક્ટર વાવેતર રહી ગયું છે.
- અન્ય પાકો: આ ઉપરાંત 2,877 હેક્ટરમાં મકાઈ, સોયાબીનનું 1,820 હેક્ટરમાં, તુવેરનું 1,571 હેક્ટરમાં અને મગફળીનું વાવેતર માત્ર 11 હેક્ટરમાં સીમિત થઈ ગયું છે.
વરસાદની આ અનિશ્ચિતતાને કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. જોકે, હવામાન અને કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, જો આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો વાવેતરની કામગીરી ફરી વેગ પકડી શકે તેવી આશા છે.
