Dashama Aagman Yatra: 'દશામાં મૂર્તિ આગામન યાત્રા'ને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું, રૂટ પર ટ્રાફિક ડાયવર્ઝન અને નો પાર્કિંગ જાહેર

વડોદરામાં 7 ઓગસ્ટે દશામાં મૂર્તિ આગમન યાત્રાને લઈ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. યાત્રા દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા અને ટ્રાફિક નિયંત્રણ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 07 Aug 2026 12:00 AM (IST)Updated: Fri, 07 Aug 2026 12:00 AM (IST)
vadodara-police-commissioner-issues-traffic-advisory-for-dashama-aagman-yatra

Dashama Aagman Yatra: વડોદરા શહેરમાં આવતીકાલે ૭ ઓગસ્ટના રોજ યોજાનારી ભવ્ય 'દશામાં મૂર્તિ આગમન યાત્રા' ને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ યાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે જળવાઈ રહે અને ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને ખાસ ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પોલીસ કમિશનરના આદેશ અનુસાર, ફતેગંજ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત કેદારેશ્વર મહાદેવ મંદિર પાસેથી 7 ઓગસ્ટે સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા દરમિયાન દશામાં મૂર્તિ આગમન યાત્રા ધામધૂમથી કાઢવામાં આવશે. આ યાત્રાનો નિર્ધારિત રૂટ નાંદેલા પાણીની ટાંકી ચાર રસ્તાથી શરૂ થઈને ઉમા ચાર રસ્તા, મહાવીર હોલ ચાર રસ્તા અને ગેડા માર્કેટ ચાર રસ્તા થઈને કેદારેશ્વર સ્મશાન સુધી પહોંચશે.

આગમન યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો ઉમટી પડવાની સંભાવના છે, જેના કારણે કોઈપણ પ્રકારની ટ્રાફિક અવરોધ ન સર્જાય તે માટે સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે. નાંદેલા પાણીની ટાંકી ચાર રસ્તાથી લઈને કેદારેશ્વર સ્મશાન સુધીના સમગ્ર યાત્રા માર્ગને વાહન પાર્કિંગ માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત એટલે કે 'નો-પાર્કિંગ ઝોન' તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત યાત્રાના રૂટ પર આવતા મુખ્ય ચોકડીઓ અને માર્ગો પર વાહન વ્યવહાર નિયંત્રિત રહેશે. જેમાં કાલાઘોડા ચાર રસ્તા, વૃંદાવન ચાર રસ્તા, સરદાર એસ્ટેટ, નવીન પાણીગેટ, મહાવીર હોલ, ગેડા માર્કેટ અને મોતીનગર તરફથી અવરજવર કરતા વાહનોને ટ્રાફિકના ભારણથી બચવા માટે વૈકલ્પિક માર્ગો તરફ ડાયવર્ટ કરવામાં આવશે. યાત્રા નિર્ધારિત સ્થળે પહોંચ્યા બાદ અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી ટ્રાફિક વ્યવસ્થાને તબક્કાવાર પૂર્વવત કરવામાં આવશે.

પોલીસ તંત્ર દ્વારા વડોદરા શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સમયગાળા દરમિયાન અસુવિધાથી બચવા માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં ફરજ પરના પોલીસ કર્મીઓને પૂરો સહકાર આપે. જાહેરનામાની આ જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે મોટર વાહન અધિનિયમ-1988 ની કડક જોગવાઈઓ હેઠળ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

જો કે શહેરમાં ઇમરજન્સી સેવાઓ ખોરવાય નહીં તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ વાહનો અને અન્ય અત્યાવશ્ય કટોકટી સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને આ ટ્રાફિક પ્રતિબંધો અને ડાયવર્ઝનમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે, જેથી તબીબી કે આપત્તિજનક જરૂરિયાતોના સમયે રાહત મળી શકે.