Chhota Udepur: ગતરોજ છોટા ઉદેપુર જિલ્લાના પુનિયાવાંટ ખાતે એમ.એસ.હોસ્પિટલની સામે મેદાન ખાતે AAP ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ગુજરાત જોડો જનસભામાં દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, છોટા ઉદેપુર વિધાનસભા પ્રભારી વિનુભાઈ રાઠવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ભાજપના રનિંગ કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા તથા પૂર્વ સરપંચો, કોંગ્રેસમાંથી પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય, તથા પૂર્વ સરપંચ સહીત મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા. સાથે સાથે આ સભામાં હજારોની સંખ્યામાં ખેડૂતો, યુવાનો સહિત તમામ જાતિ-ધર્મ અને વર્ગના લોકો ઉમટી પડ્યા હતા.
આ ગુજરાત જોડો જનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં શાળાની વાતો હોય, શિક્ષકોની વાતો હોય કે રોડ રસ્તાની વાતો હોય, દવાખાનાની વાત હોય કે ડોક્ટરોની વાત હોય, દરેક મુદ્દા પર અમે વારંવાર પદયાત્રાઓ કરીને સરકાર સમક્ષ રજૂઆતો કરી છે, ભૂખ હડતાલ કરી છે, ધરણા પ્રદર્શન કર્યા છે. અનેક વાર પેપર લીક થયા એ મુદ્દે પણ અમે વારંવાર અવાજ ઉઠાવ્યો છે પરંતુ સરકારને અમારી આ વાત ગમતી નથી.
ભાજપના 30 વર્ષના શાસનની સામે કોઈ તેને ચેલેન્જ કરે તે તેને પસંદ નથી અને એટલા જ કારણે એ લોકોએ મારા પર ખોટા કેસો કર્યા. આદિવાસી સમાજના અને આદિવાસી વિસ્તારનો વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે પરંતુ ભાજપના નેતાઓ, ભાજપના મળતીયાઓ અને એનજીઓના લોકો તથા કોન્ટ્રાક્ટરો બારોબાર એમના પ્રભારી મંત્રીઓની સાથે કરોડો રૂપિયાનું આયોજન કરીને રૂપિયા ખાઈ જાય છે.
આ તમામ બાબતોનો મેં વિરોધ કર્યો અને કહ્યું કે એટીવીટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આયોજન કરશે અને કોઈ બહારના કોન્ટ્રાક્ટરોને અમે ઘુસવા નહીં દઈએ અને આ વાતના કારણે એ લોકોએ મને ખોટા કેસમાં ફસાવી લીધો.
જ્યારે પણ રાજ્યના કે દેશના વિકાસની વાત આવે છે, ત્યારે આપણા આદિવાસી સમાજના લોકોએ ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. જો કે ગુજરાતમાં 30 વર્ષથી એક જ પાર્ટીની સરકાર હોવા છતાં પણ વિદ્યાર્થીઓએ પોતાની સ્કોલરશીપ માટે આંદોલન કરવું પડે છે, ટેટ-ટાટ પાસ ઉમેદવારો શિક્ષકોની ભરતી માટે આંદોલન કરવા પડે છે, આંગણવાડી વર્કરો અને આશા વર્કરોએ પણ આજે આંદોલન કરવું પડે છે, ફિક્સ પગારના કર્મચારીઓ, આઉટસોર્સિંગના કર્મચારીઓ પણ આંદોલન કરે છે અને જૂની પેન્શન યોજના માટે પણ આંદોલન થઈ રહ્યા છે. હવે તમે જોઈ રહ્યા છો કે ખેડૂતોએ પણ આંદોલન કરવું પડી રહ્યું છે.
સરકારે જે ટેકાના ભાવ નક્કી કર્યા હોય છે તે ભાવ ખેડૂતોને મળતા નથી. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે ગુજરાતમાં ભાજપે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારને વેગ આપ્યો છે. મેં મનરેગા યોજનામાં ભાજપના નેતા બચુભાઈ ખાબડ અને તેમના પુત્રોએ કરેલા ભ્રષ્ટાચારની વાત મેં વિધાનસભામાં ઉઠાવી ત્યારે ભાજપના નેતાઓએ કહ્યું કે ચૈતર વસાવા સ્ટંટ કરે છે.
