Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પીપળસટ ગામમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ પોતાની 8 માસની દીકરીને પાણીના હોજમાં ડૂબાડીને હત્યા કર્યાં બાદ પોતે પણ ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૃતક સંગીતાબેન ભીલ નામની યુવતીએ ગિરીશભાઈ ભીલ સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. આ લગ્નજીવન થકી તેમને 8 માસની દીકરી હંસિકા હતી. આ પરિવાર સંખેડા તાલુકાના પીપળસટ ગામમાં રહેતો હતો. જો કે સંગીતાબેનના પ્રેમલગ્ન તેમના પિયર પક્ષને માન્ય નહતા. આથી તેમને સતત ડર રહેતો હતો કે, પરિવાર સમાજની પદ્ધતિ પ્રમાણે પોતાના પતિ સાથે છૂટાછેડા કરાવીને ઘરે લઈ જશે.
આ ડરના કારણ ગઈકાલે સંગીતાબેને પતિ ગિરીશને નાસ્તા માટે બિસ્કિટ લેવા મોકલ્યા હતા. જ્યારે ગિરીશભાઈ નાસ્તો લઈને ઘરે આવ્યા, ત્યારે પત્ની અને દીકરી બન્ને ઘરમાં હજાર નહતા. આથી તેમણે શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન ઘરની પાછળ પાણીના હોજમાં 8 માસની હંસિકાની લાશ તરતી મળી આવી હતી. જેથી ગિરીશભાઈ સહિત અન્ય પરિવારજનોએ સંગીતાબેનની તલાશ કરતાં તેઓ નજીકના ખેતરમાં લીમડાના ઝાડ સાથે સુતરની દોરીથી લટકતી હાલતમાં મળી આવ્યા હતા.
આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જેમણે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
