Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પોલીસે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધુ છે.
હકીકતમાં પાવી જેતપુર પોલીસને બાતમી મળી હતી કે, 'ગુજરાત સરકાર 108' લખેલી એક ખાનગી એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે શિહોદ જનતા ચોકડી નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબની એમ્બ્યુલન્સ રોકવાનો ઈશારો કરતાં, ડ્રાઈવરે ભગાડી મૂકી હતી. પોલીસે પીછો કરતાં ડ્રાઈવર એમ્બ્યુલન્સ મૂકીને ભાગી છૂટ્યો હતો.
જે બાદ પોલીસે એમ્બ્યુલન્સની તલાસી લેતા દર્દીને સૂવડાવવા માટેના સ્ટ્રેચર નીચે બનાવેલા ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે વિદેશી શરાબની 928 જેટલી બોટલો (રૂ.2.64 લાખ) અને એમ્બ્યુલન્સ સહિત કુલ 5.14 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં એમ્બ્યુલન્સમાં દર્દીઓ માટેના સાધનો, સ્ટ્રેચર, સાયરન કે આરોગ્યસેવા સંબંધિત કોઇપણ સુવિધા નહોતી. પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે એમ્બ્યુલન્સના આગળના કાચ પર મોટા અક્ષરે “ગુજરાત સરકાર” તથા પાછળ અને બાજુઓમાં “108” લખ્યું હતું. પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે આ વાહન ખાસ દારૂની હેરાફેરી માટે જ મૉડિફાઇડ કરવામાં આવ્યું હતુ.
