Chhota Udepur: છોટાઉદેપુરના તુરખેડામા રસ્તાના અભાવે ગર્ભવતી મહિલાનું મોત થયું, પ્રસૂતાને 5 કિમી સુધી ઝોળીમાં લઇ જવાઇ હતી

પરિવારના સભ્યોએ કપડાની ઝોળી બનાવી મહિલાને લગભગ 5 કિલોમીટર સુધી ઊંચકીને લઈ ગયા હતા.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 17 Sep 2025 11:06 AM (IST)Updated: Wed 17 Sep 2025 11:06 AM (IST)
chhota-udepur-news-pregnant-tribal-woman-carried-on-cloth-stretcher-to-ambulance-dies-during-treatment-604427

Chhota Udepur News: છોટા ઉદેપુરના તુરખેડા ગામના ખૈડી ફળિયામાં રસ્તાના અભાવના કારણે એક ગર્ભવતી મહિલાનું મોત થયું હતું. 35 વર્ષીય મહિલાને ગઈકાલે સાંજે પ્રસવની પીડા શરૂ થઈ હતી. ખૈડી ફળિયાથી લઇને સાવદા ફળિયા સુધી રસ્તો ન હોવાના કારણે કોઈ વાહનની આવનજાવન થઇ શકે તેમ ન નથી.

ઝોળી બનાવીને લઇ જવાઇ હતી

પરિવારના સભ્યોએ કપડાની ઝોળી બનાવી મહિલાને લગભગ 5 કિલોમીટર સુધી ઊંચકીને લઈ ગયા હતા. ત્યાંથી 108 એમ્બ્યુલન્સ મારફતે પહેલા કવાંટ અને ત્યારબાદ છોટા ઉદેપુર થઈને વડોદરા લઈ જવાતી વખતે રસ્તામાં જ તેમનું મોત થયું હતું. મૃતક મહિલાને સંતાનમાં 4 દીકરી હતી અને આ તેમની પાંચમી પ્રસૂતિ હતી.

પહેલા 1 ઓક્ટોબરના રોજ પણ તુરખેડામાં એક પ્રસૂતાએ રસ્તામાં બાળકને જન્મ આપ્યા પછી તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લઈને તુરખેડાના ચાર ફળિયામાં રસ્તો મંજૂર કર્યો હતો. જો કે, ખૈડી ફળિયા અને તેતરકુંડી ફળિયાના લોકો હજુ પણ રસ્તાની સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે. આ વિસ્તારના લોકો રોજબરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.