Chhota udepur News: છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાની સરહદી જંગલ વિસ્તારમાં ફરી એકવાર વાઘની અવરજવરના પુરાવા મળતાં સમગ્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવ્યું છે. છેલ્લા 17 મહિનાથી દાહોદથી લઈને છોટાઉદેપુરના ઝોઝ, કેવડી અને કુંડલ સહિતના જંગલ વિસ્તારોમાં એક નર વાઘનો સતત વસવાટ અને આંટાફેરા નોંધાયા છે. વન વિભાગના જણાવ્યા પ્રમાણે, વાઘ અંદાજે 120 કિમીના વિસ્તારમાં મુક્તપણે ફરી રહ્યો છે.
કેમેરામાં કેદ થયો હતો વાઘ
વન વિભાગના રેકોર્ડ અનુસાર, 22 એપ્રિલ 2025ના રોજ છોટાઉદેપુરના રતનમહાલ અભ્યારણ્ય વિસ્તારમાં આ વાઘ પહેલી વાર ટ્રેપ કેમેરામાં કેપ્ચર થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી સમયાંતરે તેની હાજરીના પુરાવા મળી રહ્યા છે. આ વિસ્તારના જંગલોમાં પૂરતો ખોરાક અને અનુકૂળ કુદરતી રહેઠાણ ઉપલબ્ધ હોવાથી વાઘ અહીં સ્થાયી થયો હોવાનું માનવામાં આવે છે.
ચોમાસામાં મોનિટરિંગ માટે ટ્રેપ કેમેરા અને પેટ્રોલિંગ વધારાયું
ચોમાસાની ઋતુમાં ગીચ વનસ્પતિ અને ભારે વરસાદના કારણે જમીની સ્તરે વાઘની દેખરેખ રાખવી પડકારજનક બની છે. આમ છતાં, વન વિભાગ દ્વારા વિવિધ વ્યૂહાત્મક સ્થળોએ ટ્રેપ કેમેરા ગોઠવીને વાઘની હિલચાલ પર ક્ષણે ક્ષણની નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત વનકર્મીઓ દ્વારા જંગલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે.
ગ્રામજનો માટે સાવચેતીની એડવાઈઝરી
- સરહદી ગામોના રહીશોની સુરક્ષાને ધ્યાનમાં લઈને વન વિભાગે ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે:
- જંગલ વિસ્તારમાં બિનજરુરી અવરજવર ટાળવી.
- રાત્રિના સમયે એકલા જંગલમાં ન જવું.
- પશુઓને ચરાવવા જતી વખતે વિશેષ સાવચેતી રાખવી
- જો વાઘ કે તેના પગના નિશાન દેખાય, તો તુરંત જ નજીકની વન વિભાગની કચેરીને જાણ કરવી.
17 મહિનામાં વાઘની અવરજવર જોવા મળી
છોટાઉદેપુરના ACFના ફતેહ મીનાના જણાવ્યા મુજબ, પાછલા 17 મહિનાથી દાહોદ અને છોટાઉદેપુરમાં એક વાઘની મૂવમેન્ટ નોંધાઈ રહી છે. તેની ફ્રિકવન્સી અંદાજે દર 25 થી 30 દિવસની છે. હાલ વાઘ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા ગ્રાસલેન્ડ (ઘાસચારાના વિસ્તારો) સુધારવામાં આવી રહ્યા છે અને પાણીની જરૂરિયાત માટે કુદરતી સ્ત્રોતોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે.
