ChhotaUdepur: નસવાડીમાં અશ્વિન નદીના પૂર વચ્ચે ફસાયેલા યુવકનું NDRF દ્વારા દિલધડક રેસ્ક્યુ, 2 કલાક બાદ સલામત બહાર કઢાયો

નસવાડી ગામ નજીક આવેલી દરગાહ પાસે અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક યુવક ફસાઈ જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 31 Jul 2026 03:34 PM (IST)Updated: Fri, 31 Jul 2026 03:34 PM (IST)
chhotaudepur-naswadi-ashwin-river-flood-ndrf-rescues-stranded-youth-after-two-hours

ChhotaUdepur Rain News: છોટાઉદેપુર જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા મુશળધાર વરસાદ અને ઉપરવાસમાંથી થયેલી પાણીની વિપુલ આવકના કારણે પંથકની નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. નદીઓમાં આવેલા ઘોડાપૂરના પગલે અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે, ત્યારે નસવાડી ગામ નજીક આવેલી દરગાહ પાસે અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક યુવક ફસાઈ જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક તંત્ર અને NDRFની ટીમે તાત્કાલિક હરકતમાં આવીને યુવકનો જીવ બચાવી લીધો હતો.

બે કલાક સુધી નદીના પ્રવાહ વચ્ચે જિંદગીની જંગ

મળતી માહિતી મુજબ, ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે અશ્વિન નદીમાં અચાનક પૂરનું સ્તર વધી ગયું હતું. આ દરમિયાન નસવાડી દરગાહ નજીકથી પસાર થઈ રહેલો એક યુવક નદીના પૂરના તેજ પ્રવાહમાં તણાઈને વચ્ચે ફસાઈ ગયો હતો. યુવક ચારેય તરફથી પાણીના વિકરાળ પ્રવાહથી ઘેરાઈ જતાં તેણે બૂમાબૂમ કરી હતી, જેનાથી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસને તાત્કાલિક NDRFની ટીમને જાણ કરી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.

naidunia_image

NDRFની ટીમે બોટ દ્વારા હાથ ધર્યું સફળ ઓપરેશન

સ્થળ પર પહોંચેલી NDRFની ટીમે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક વોટર રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. NDRFના જવાનો પોતાની વિશિષ્ટ બોટ લઈને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે દરગાહ પાસે ફસાયેલા યુવક સુધી પહોંચ્યા હતા. અંદાજે 2 કલાક સુધી નદીના પાણી વચ્ચે કાળનો સામનો કરી રહેલા યુવકને NDRFની ટીમે ખૂબ જ સાવચેતીપૂર્વક બોટમાં બેસાડીને સહી-સલામત રીતે કિનારે પહોંચાડ્યો હતો.

naidunia_image

પૂરની સ્થિતિમાં નદીના પટમાં ન જવા અપીલ

યુવકને સલામત રીતે બહાર કાઢવામાં આવતાં સ્થાનિક લોકો અને તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. NDRFની આ કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી. તંત્ર દ્વારા નદી કિનારે રહેતા લોકોને પૂરની સ્થિતિને ધ્યાને રાખીને નદીના પટમાં ન જવાની અપીલ કરવામાં આવી છે.