Chhotaudepur News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના હુમલાના બનાવો નિરંતર વધી રહ્યા છે.ત્યારે છોટાઉદેપુરના બોડેલીમાંથી દીપડાના હુમલાનો એક કરુણ બનાવ સામે આવ્યો છે. બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામમાં એક બાળકી પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં 4 વર્ષની બાળકીનું મોત નિપજતા સમગ્ર પંથકમા ભયનો માહોલ ફેલાયો હતો. આથી વન વિભાગના સઘન પ્રયાસથી દીપડો પાંજરે પૂરાણો હતો.
દીપડાના હુમલામાં બાળકીનું મોત
મળતી માહિતી મુજબ, મોટા વાજપુર ગામમાં પોપટભાઈ રાઠવાના ઘરના આંગણે તેમની ચાર વર્ષની પુત્રી ભવ્યા અન્ય બાળકો સાથે રાત્રિના સમયે 8 વાગ્યે રમી રહી હતી. ત્યારે રાત્રિના સમયે દીપડાએ અચાનક બાળકી પર હુમલો કરી દીધો હતો. તે બાળકીને જડબામાં પકડીને લગભગ 100 મીટર સુધી ખેંચી ગયો હતો. આ ઘટનાને નજરે જોનારાં લોકોએ બુમાબુમ કરી મૂકતા દીપડાએ બાળકીને છોડીને પલાયન કરી ગયો હતો.
તબીબે બાળકીને મૃત જાહેર કરી
ચાર વર્ષીય ભવ્યાને દીપડાના હુમલામાં ઘણી ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્ત બાળકીને તત્કાલિક જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.
આ ઘટનાની જાણ બોડેલી વન વિભાગને કરવામાં આવી. ત્યારે વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ટીમે દીપડાને પકડવા માટે આસપાસના વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા હતા. જેમાં ગણતરીની કલાકોમાં દીપડો પાંજરે પૂરાઈ ગયો હતો.
