Chhotaudepur Rain Forecast Today July 31: હવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં આગામી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લામાં 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ સંપૂર્ણ તૈયારી સાથે એલર્ટ મોડ પર આવી ગયા છે.
શાળા-કોલેજો અને આંગણવાડીમાં રજા જાહેર
ભારેથી અતિભારે વરસાદની વર્તમાન પરિસ્થિતિ અને આગાહીને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વહીવટી તંત્ર સજ્જ, NDRF-SDRF ટીમો તૈયાર
જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા પોલીસ વડા (SP) ઈમ્તિયાઝ શેખે નાગરિકોની સલામતી માટે જરૂરી વિવિધ નિર્દેશો જારી કર્યા છે:
- 24 કલાક કાર્યરત કંટ્રોલરૂમ: જિલ્લા સ્તરે 'ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી ઓપરેશન્સ સેન્ટર' કાર્યરત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરેક તાલુકા મથકે પણ કંટ્રોલરૂમ છે.
- રેસ્ક્યુ ટીમ અને સાધનો: કોઈપણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRF ટીમો સજ્જ છે. બચાવ કામગીરી માટેના તમામ જરૂરી સાધનો અને સુવિધા પણ ઉપલબ્ધ છે.
- આશ્રયસ્થાનોની ગોઠવણ: નીચાણવાળા કે જોખમી વિસ્તારોમાંથી સ્થળાંતર કરવાની જરૂર પડે તો તે માટે સુરક્ષિત આશ્રયસ્થાનો નક્કી કરી, તેની જાળવણી માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકોને ખાસ અપીલ
જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે, ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી અત્યંત જરૂરી કાર્ય વગર કોઈએ ઘરેથી બહાર ન નીકળવું. નાગરિકોએ નદી કિનારે કે અન્ય જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવું. વધુમાં, જો વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે આશ્રયસ્થાનમાં સ્થળાંતર કરવાનું કહેવામાં આવે, તો તાત્કાલિક સહકાર આપી તંત્રની સૂચનાઓનું આદેશાનુસાર પાલન કરવું.
