અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: એક જ પરિવારના 4 બાળકો સહિત 5ના મોત, પાર્થિવદેહ વતન પહોંચતા ગોવિંદાતળાઈ ગામ હિબકે ચડ્યું

આ દુર્ઘટનામાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદાતળાઈ ગામના એક પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 19 Jul 2026 02:42 PM (IST)Updated: Sun, 19 Jul 2026 02:42 PM (IST)
ahmedabad-firecracker-factory-blast-govindatalai-village-family-death-dahod
એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

Ahmedabad Firecracker Factory Blast, Dahod: અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દાહોદ જિલ્લાના 7 શ્રમિકોના મૃતદેહ આજે સવારે તેમના વતન લાવવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. આ દુર્ઘટનામાં સૌથી મોટો આઘાત દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદાતળાઈ ગામના એક પરિવારને લાગ્યો છે, જ્યાં એક સાથે 5 સભ્યોના મોત નીપજ્યા છે.

એક જ પરિવારના 4 બાળકો કાળનો કોળિયો બન્યા 

મળતી માહિતી મુજબ, સંજેલી તાલુકાનું આ કમનસીબ કુટુંબ પોતાનું ગુજરાન ચલાવવા માટે અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં મજૂરી કામ કરવા ગયું હતું. ફેક્ટરીમાં થયેલો બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ત્યાં કામ કરી રહેલા રમીલાબેન ભરતભાઈ (ઉં.વ. 35) અને તેમના ચાર નિર્દોષ બાળકોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

naidunia_image

મૃતક બાળકો અને માતા:

  • રીંકુબેન (ઉં.વ. 7)
  • શિવાનીબેન (ઉં.વ. 5)
  • રવિનાબેન (ઉં.વ. 4)
  • નિરવકુમાર (ઉં.વ. 3)
  • રમીલાબેન ભરતભાઈ (ઉં.વ. 35)

આ કરુણ ઘટનામાં પરિવારના મોભી ભરતભાઈ વરસીંગભાઈ પોતે પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, અને હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

naidunia_image

એકસાથે 7 એમ્બ્યુલન્સ, હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા 

આજે જ્યારે એક સાથે 7 એમ્બ્યુલન્સ મૃતદેહો લઈને ગોવિંદાતળાઈ ગામે પહોંચી ત્યારે આખું ગામ હિબકે ચડ્યું અને ભારે કલ્પાંત મચી ગયો હતો. એક જ પરિવારની સ્ત્રી અને નાના-નાના 4 માસૂમ બાળકોના દેહ જોઈને હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. આ ગોઝારી ઘટનાને લઈને ગ્રામજનોમાં ફેક્ટરીના સંચાલકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વહીવટી તંત્ર દ્વારા શોકાતુર પરિવારને સાંત્વના

આ હૃદયદ્રાવક ઘટનાના પડઘા પડતા જ સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. મામલતદાર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો મૃતકોના નિવાસસ્થાને દોડી ગયો હતો. અધિકારીઓએ આ શોકાતુર પરિવારજનોની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી  અને વહીવટી સ્તરે જરૂરી એવી તમામ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી. એક જ ગામ અને પરિવારના આટલા સભ્યોના એકસાથે અવસાનથી સમગ્ર દાહોદ જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે.