Dahod Accident: મળતી માહિતી અનુસાર, ત્રણ યુવાનો એક બાઈક પર સવાર થઈને મુસાફરી કરી રહ્યા હતા, તે દરમિયાન સામેની દિશામાંથી પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર થતાની સાથે જ એક યુવકનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત નીપજ્યું હતું.
બે લોકોના મોત થયા
સ્થાનિક લોકોએ તાત્કાલિક અન્ય બે ગંભીર રીતે ઘાયલ યુવકોને દાહોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન અન્ય એક યુવકનું પણ મૃત્યુ થયું હતું. ત્રીજા યુવકની હાલત હજુ પણ ગંભીર હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે. અકસ્માતના સમાચારને પગલે મૃતકના પરિવારજનો અને ગામલોકોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
પોલીસે તપાસ શરુ કરી
ઘટનાની જાણ થતાં જ દાહોદ તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતનું પંચનામું કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે ટક્કર મારીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક અને વાહનની શોધખોળ માટે વિશેષ ટીમ ગોઠવી છે. પોલીસે હાઇવે પરના સીસીટીવી ફુટેજની મદદથી આરોપીને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. સ્થાનિક લોકોએ હાઇવે પર વધતી જતી ભારે વાહનોની અવરજવર અને બેફામ ગતિ સામે ચિંતા વ્યક્ત કરીને સ્પીડ કંટ્રોલ માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
