UpdatedIST

દાહોદ-અમદાવાદ હાઇવે પર ભયાનક અકસ્માત: ડિવાઇડર બાદ થાંભલા સાથે અથડાયેલી SUV કારનો ભુક્કો બોલ્યો, 3 લોકોના મોત

દાહોદ-અમદાવાદ હાઇવે પર લીમખેડા નજીક એક SUV કાર ડિવાઇડર સાથે અથડાઇ, ત્યારબાદ વીજળીના થાંભલા સાથે જોરદાર ટક્કર મારી હતી.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 17 Feb 2026 01:01 PM (IST)Updated: Tue 17 Feb 2026 01:01 PM (IST)
dahod-ahmedabad-highway-suv-car-accident-crash-into-divider-near-limkheda-3-dead-693585
HIGHLIGHTS
  • દાહોદ-અમદાવાદ હાઇવે પર અકસ્માત
  • એક SUV કાર ડિવાઇડર સાથે અથડાઇ
  • ગોઝારા અકસ્માતમાં ત્રણ લોકોના મોત

Dahod SUV accident: દાહોદ-અમદાવાદ હાઇવે પર મધરાતે બનેલી એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પાથરી દીધો છે. લીમખેડા નજીક એક SUV કાર ડિવાઇડર સાથે અથડાઇ, ત્યારબાદ વીજળીના થાંભલા સાથે જોરદાર ટક્કર મારી હતી. આ બનાવમાં ત્રણ લોકોના મોત થયા છે.

લીમખેડા નજીક ઢઢેલા ટર્નિંગ પાસે મહારાષ્ટ્ર પાસિંગની એક SUV કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા પહેલા ડિવાઇડર સાથે અથડાઇ હતી, ત્યારબાદ વીજળીના થાંભલા સાથે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો ભુક્કો બોલી ગયો, અને થાંભલાના પણ ટુકડા થઈ ગયા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર કારમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મૃતકોની ઓળખ મહારાષ્ટ્રના પુનાના અભિષેક યાદવ અને સચિન બિરાદાર તરીકે થઈ છે. બંનેના મૃતદેહોને લીમખેડા ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે સારવાર દરમિયાન મૃત્યુ પામેલા કાર ચાલકના મૃતદેહને દાહોદ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે કારના ભાગો આસપાસના ખેતરોમાં દુર દુર સુધી ફેલાઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કારનું એન્જિન લગભગ 100 ફૂટ દૂર જઈને પડ્યું હતું. કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ જતાં અંદર ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા, અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ભેગા થયા હતા. કારની હાલત અને લોહીના ડાઘ જોઈને અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ થઈ રહી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર હાઇવે પર વધતી બેદરકારી અને ઝડપી વાહનચાલનના જોખમ અંગે ચેતવણીરૂપ સાબિત થઈ છે.