UpdatedIST

Dahod: લગ્નના 15મા દિવસે જ પતિએ દહેજ માંગી ત્રાસ ગુજાર્યો, યુવતીએ 112 પર માંગી મદદ; પોલીસ સામે પતિએ આપ્યા ત્રણ તલાક

દેવગઢ બારીયાના કસ્બા ડુંગરી ફળિયામાં રહેતી 19 વર્ષીય સાથે કથિત દહેજ માંગવાનો અને ત્રણ તલાક આપવાનો બનાવ નોંધાયો છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 17 Feb 2026 08:58 AM (IST)Updated: Tue 17 Feb 2026 08:58 AM (IST)
dahod-devgadh-baria-19-year-old-woman-complain-of-dowry-and-triple-talaq-693450
HIGHLIGHTS
  • 19 વર્ષીયને કથિત ત્રણ તલાક આપવાનો બનાવ નોંધાયો
  • દેવગઢ બારીયાના કસ્બા ડુંગરી ફળિયામાં રહે છે યુવતી 
  • મહિલા પોલીસે પતિ, સસરા અને જેઠ વિરુદ્ધ ગુનો નોંધ્યો

Dahod triple talaq case: દેવગઢ બારીયાના કસ્બા ડુંગરી ફળિયામાં રહેતી 19 વર્ષીય યુવતી સાથે દહેજની માંગણી અને ત્રણ તલાકનો બનાવ બન્યો છે. જેમાં ગત 27 જાન્યુઆરીના રોજ યુવતીના લગ્ન થયા હતા. જે બાદ 11 ફેબ્રુઆરીના રોજ હનીમૂનથી પરત ફર્યા બાદ યુવતીના પતિએ દહેજની માંગણી કરી ત્રાસ આપ્યો હતો. આ મામલે યુવતીએ 112 પર મદદ માંગી હતી.

19 વર્ષીય યુવતી સાથે બન્યો દુઃખદ બનાવ

આ સમગ્ર મામલે મળતી વિગત અનુસાર, દેવગઢ બારીયાના કસ્બા ડુંગરી ફળિયામાં રહેતી 19 વર્ષીય યુવતીએ દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં દહેજ માંગવા અંગે લેખિત અરજી આપી હતી. યુવતીની ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત 27 જાન્યુઆરી, 2026 ના રોજ દેવગઢ બારીયાના કસ્બા ડુંગરી ફળિયામાં રહેતી 19 વર્ષીય યુવતીએ મોહંમદ અકબર નવાબભાઈ કુરેશી સાથે અમદાવાદની કોર્ટમાં પરસ્પર સંમતિથી લગ્ન કર્યા હતા.

10 લાખ રોકડા-કાર માંગી, યુવતીને રૂમમાં પૂરી

લગ્ન કર્યા બાદ નવદંપતી હનીમૂન માટે જયપુર અને રતલામ ગયા હતા. જ્યાંથી 10 ફેબ્રુઆરીના રોજ તેઓ પરત ફર્યા હતા. જોકે, ઘર પરત ફર્યા બાદ યુવતીના પતિએ તેના પિતાના ઘરથી 10 લાખ રૂપિયા રોકડા અને એક કાર લઈ આવવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. કથીત દહેજની આ માંગણી પૂરી ન થતા યુવતીને એક રૂમમાં પૂરી જમવાનું પણ ઓછું આપતા હતા.

ત્રાસથી કંટાળી યુવતીએ માંગી 112 પર મદદ

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને યુવતીએ 14 ફેબ્રુઆરીના રોજ 112 હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગી હતી. પોલીસ ટીમ યુવતીને સુરક્ષિત રીતે દેવગઢ બારીયા પોલીસ મથકે લઈ ગઈ હતી. જ્યાં યુવતીએ પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ લેખિત અરજી આપી હતી. જે બાદ યુવતીના પતિ અને સસરાને પોલીસ સ્ટેશન પર બોલાવવામાં આવ્યા.

પોલીસ-પરિવાર સામે પતિ આપ્યા ત્રણ તલાક

રાત્રે 11 વાગ્યાની આસપાસ પતિ અને સસરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા. આ દરમિયાન પોલીસ અને પરિવારના સભ્યોની હાજરીમાં જ પતિ અકબરે ઉશ્કેરાઈને પત્નીને મૌખિક રીતે ત્રણ તલાક આપી દીધા અને તેને સાથે રાખવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ સમગ્ર કેસમાં મહિલા પોલીસે પતિ સહિતના સાસરિયાઓ સામે વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પતિ, સસરા અને જેઠ વિરુદ્ધ ગુનો નોંધાયો 

યુવતીના સસરા નવાબભાઈ અને જેઠ સુલતાન કુરેશીએ પણ તેને અપનાવવાનો ઇનકાર કરતા “તું અમને પસંદ નથી" તેમ કહી ધમકીઓ આપી હતી. હાલમાં દાહોદ મહિલા પોલીસે પીડિત યુવતીની ફરિયાદના આધારે પતિ, સસરા અને જેઠ વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારો અને ત્રણ તલાક વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.