Dahod Accident: અમદાવાદ-ઇન્દોર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા લીમખેડાના પાણીયા પીકઅપ સ્ટેન્ડ પાસે આજે વહેલી સવારે એક અત્યંત દર્દનાક દુર્ઘટના ઘટી હતી. ગોધરા માર્ગ તરફથી ઝડપભેર આવી રહેલા એક જ્વલનશીલ રસાયણ ભરેલા ટેન્કરના ડ્રાઇવરે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલું ટેન્કર માર્ગની સાઇડમાં ઊભેલી પ્લાયવુડ ભરેલી આઇસર ગાડી સાથે ધડાકાભેર અથડાયું હતું.
દુર્ઘટનામાં ડ્રાઈવર અને ક્લિનરનું મોત
આ ભયાનક ટક્કર થતાં જ ટેન્કરમાંથી રસાયણ ગળતર શરૂ થઈ ગયું હતું અને જોતજોતામાં મોટો ધડાકો થતાં જ બંને વાહનોમાં વિકરાળ અગ્નિજ્વાળાઓ પ્રગટી ઉઠી હતી. અકસ્માતના કારણે કેબિનનો કડૂચો વળી ગયો હોવાથી અંદર બેઠેલા ડ્રાઇવર તેમજ ક્લીનર બહાર નીકળી શક્યા નહોતા. ક્ષણવારમાં જ આગે સમગ્ર વાહનોને ચપેટમાં લઈ લેતાં બંને કમનસીબ યુવકો કેબિનમાં જ ભસ્મીભૂત થઈ ગયા હતા.

ફાયર વિભાગે આગ પર નિયંત્રણ મેળવ્યું
બનાવના પગલે હાઇવે પરથી પસાર થતાં અન્ય વાહનચાલકો સ્તબ્ધ થઈ ગયા હતા અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ લીમખેડા પોલીસ મથકનો કાફલો, મામલતદાર, NHAI ની ટીમ અને સ્થાનિક ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર દોડી આવી હતી. લાંબી જહમત બાદ લાઈફ ફાઈટરોએ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.

મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા
ત્યારબાદ પોલીસે ક્રેન વડે અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડીને સળગી ગયેલા બંને કમનસીબ મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપ્યા હતા. આ મામલે લીમખેડા પોલીસે ગુનો નોંધીને મૃતકોની ઓળખવિધિ હાથ ધરી છે. દુર્ઘટનાના કારણે હાઇવે પર ખોરવાયેલા વાહનવ્યવહારને પોલીસે ટૂંક સમયમાં પૂર્વવત કરાવ્યો હતો.

