દાહોદના ઠક્કર ફળિયામાં મોડી રાત્રે બેકાબૂ કારનો તરખાટ; 5 વાહનોને અડફેટે લીધા, મહિલા ઈજાગ્રસ્ત

બેકાબૂ બનેલી કારની ટક્કરથી આસપાસના 5 જેટલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પોલીસે પરિસ્થિતિનો તાગ મેળવીને બેકાબૂ કાર હંકારનાર ચાલકની ધરપકડ કરી લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 23 Nov 2026 12:12 PM (IST)Updated: Mon, 23 Nov 2026 12:12 PM (IST)
dahod-news-uncontrolled-car-hits-5-vehicles-in-thakkar-faliya-woman-injured

Dahod News: દાહોદ શહેરના સતત ધમધમતા અને ભરચક એવા ઠક્કર ફળિયા વિસ્તારમાં મોડી રાત્રે એક બેકાબૂ કારે ભારે આતંક મચાવતા સ્થાનિક રહીશોમાં ફફડાટ અને દોડધામ મચી ગઈ હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે રસ્તા પર પાર્ક કરેલા કે પસાર થઈ રહેલા કુલ 5 વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતની ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હોવાના અહેવાલ છે, જ્યારે સમગ્ર ઘટના નજીક લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બેકાબૂ કારે પાંચ જેટલા વાહનોને અડફેટે લીધા

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદના ઠક્કર ફળિયા વિસ્તારમાં મોડી રાત્રિના સમયે એક કાર અત્યંત ઝડપે આવી રહી હતી. દરમિયાન ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર બેકાબૂ બની ગઈ હતી અને રસ્તા પરના વાહનો પર ફરી વળી હતી. બેકાબૂ બનેલી કારની ટક્કરથી આસપાસના 5 જેટલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના રહીશો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં એક મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે કાર ચાલકને ઝડપી કાર્યવાહી હાથ ધરી

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પરિસ્થિતિનો તાગ મેળવીને બેકાબૂ કાર હંકારનાર ચાલકની ધરપકડ કરી લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે અકસ્માત કયા સંજોગોમાં અને કયા કારણોસર સર્જાયો, ચાલક નશામાં હતો કે કેમ તે સહિતના વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

બીજી તરફ, બેકાબૂ કાર દ્વારા 5 વાહનોને ટક્કર મારવાની અને અફરાતફરી મચાવવાની આ સમગ્ર ઘટના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ CCTV ફૂટેજના આધારે પણ પોલીસ દ્વારા તપાસને વધુ વેગવાન બનાવવામાં આવી છે. મોડી રાત્રે ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં સુરક્ષા અને બેફામ વાહનચાલકો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.