Dahod District Panchayat Election 2026: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની અંતિમ તારીખ ગઇકાલે 11 એપ્રિલ 2026 હતી. 34 જિલ્લા પંચાયતમાં કુલ 4900થી વધુ ફોર્મ ભરાયા છે. વાત દાહોદ જિલ્લાની કરીએ તો દાહોદ જિલ્લા પંચાયતમાં 50 બેઠકો માટે 286 ફોર્મ ભરાયા છે. જેમાં રસપ્રદ અને આશ્ચર્ય પમાડે તે રીતે ફોર્મ પીપેરો બેઠક પર ભરાયા છે. આ બેઠક પર કુલ 11 ફોર્મ ભરાયા છે. જેમાં એક ઉમેદવારે ત્રણ અલગ-અલગ પાર્ટીમાંથી ફોર્મ ભર્યા છે. ભરતસિંહ વાખળાએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરીને રાજકીય ચર્ચા જગાવી છે.
ભરતસિંહ વાખળા છેલ્લે આપમાંથી ચૂંટણી લડ્યા હતા
પીપેરો બેઠક પરંપરાગત રીતે વરિષ્ઠ નેતા બચુભાઈ ખાબડનો ગઢ ગણાય છે. આ બેઠક હવે એક "રાજકીય થ્રિલર"નું કેન્દ્ર બની ગઈ છે. ભરતસિંહ વાખળાનો રાજકીય ઇતિહાસ પક્ષપલટાનો રહ્યો છે; તેઓ અગાઉ કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયા હતા અને છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં AAPની ટિકિટ પર લડી ભાજપને મજબૂત પડકાર આપ્યો હતો. તાજેતરમાં જ તેઓ ભાજપ જોડાયા હોવાનું સામે આવ્યું છે.
પીપેરો બેઠક પર 11 ફોર્મ ભરાયા, જેમાં ત્રણ વાખળાએ ભર્યા
પીપેરો બેઠક પર ભરાયેલા ફોર્મની વાત કરીએ તો આ દાહોદ જિલ્લા પંચાયતની આ બેઠક પર કુલ 11 ફોર્મ ભરાયા છે. જેની ચકાસણી આવતીકાલે 13 એપ્રિલના રોજ કરવામાં આવશે અને ઉમેદવાર 15 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચી શકશે. આ બેઠક પર ભરાયેલા કુલ 11 ફોર્મમાંથી ભાજપના 5 ફોર્મ ભરાયા છે, જેમાં એક ફોર્મ ભરતસિંહ વાખળાનું છે.

એવીજ રીતે કોંગ્રેસમાંથી ત્રણ ફોર્મ ભરાયા છે, જેમાં પણ એક ફોર્મ ભરતસિંહ વાખળાનું છે અને આમ આદમી પાર્ટીમાંથી એક ફોર્મ ભરાયું છે એ ભરતસિંહ વાખળાનું જ છે. આમ ત્રણેય પાર્ટીમાંથી ભરતસિંહ વાખળાએ ફોર્મ ભર્યું છે. જે સંભવતઃ પહેલીવાર બન્યું છે. આ ઉપરાંત એક ફોર્મ અપક્ષ અને એક ફોર્મ બીઆરપીના ઉમેદવાર દ્વારા ભરવામાં આવ્યું છે.
ઉમેદવારીની કાયદેસરતા સત્તાવાર પક્ષના મેન્ડેટ પર આધારિત
વાખળાએ ભલે ત્રણેય પક્ષોમાંથી ફોર્મ ભર્યા હોય, પરંતુ તેમની ઉમેદવારીની કાયદેસરતા સત્તાવાર પક્ષના મેન્ડેટ પર આધાર રાખે છે. ચૂંટણી નિયમો અનુસાર, કોઈ ઉમેદવાર ત્યારે જ પક્ષના સત્તાવાર નોમિની ગણાય છે જ્યારે પક્ષ દ્વારા નિયત સમયમર્યાદા પહેલાં ચોક્કસ અધિકૃતતા પત્ર (ફોર્મ-બી) રજૂ કરવામાં આવે. એક સ્થાનિક ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, 15મી તારીખ, જે ઉમેદવારી પાછી ખેંચવાની અને મેન્ડેટ રજૂ કરવાની અંતિમ તારીખ છે, તે દિવસે જ સ્થિતિ સ્પષ્ટ થશે. તે દિવસે જ ખબર પડશે કે તેઓ કયા પક્ષનું 'ફોર્મ-બી' રજૂ કરે છે અને કઈ ઉમેદવારીઓ પાછી ખેંચવામાં આવશે અથવા રદ કરવામાં આવશે.
