Dahod Utkarsh Bank Fraud: દાહોદ શહેરમાં ભેજાબાજોએ એક આખી બોગસ બેંક ઊભી કરીને સોની વેપારીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો. દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ટીમે ગણતરીના કલાકોમાં જ આ આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીઓને 100 ટકા મુદ્દામાલ સાથે ઝડપી પાડીને ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રથયાત્રામાં દાનના બહાને ઘડાયું હતું કાવતરું
આ પૂર્વ આયોજિત છેતરપિંડીનું કાવતરું 15 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન રચવામાં આવ્યું હતું. આરોપી સુમિતકુમાર અને તેના સાગરીતોએ નેતાજી બજારમાં આવેલ મહાવીર જ્વેલર્સના માલિક જય રાકેશકુમાર ગાંધીનો સંપર્ક કરી જણાવ્યું કે, તેઓ રથયાત્રા નિમિત્તે સોનાના બિસ્કિટનું દાન કરવા માંગે છે. વિશ્વાસ કેળવવા માટે આરોપીઓએ 24 કેરેટના કુલ 200 ગ્રામ સોનાના બિસ્કિટ ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. 10 ગ્રામના 10 અને 50 ગ્રામના 2 બિસ્કિટની કુલ કિંમત રૂ. 28.60 લાખ હતી.
બોગસ બેંકની ઓફિસે બોલાવી સોનું પડાવ્યું
વેપારીનો વિશ્વાસ જીત્યા બાદ, આરોપીઓએ તેમને ગોધરા રોડ પર આવેલ 'ધી લેન્ડ માર્ક' બિલ્ડીંગના બીજા માળે હોલ નંબર 3માં ઊભી કરાયેલી બોગસ ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંકની ઓફિસે બોલાવ્યા હતા. ત્યાં વેપારી પાસેથી સોનાના બિસ્કીટ લીધા બાદ, નાણાં આપવાનું બહાનું બતાવીને આરોપીઓ વેપારીની નજર ચૂકવી ઓફિસના પાછળના દરવાજેથી રફુચક્કર થઈ ગયા હતા.

ટેકનિકલ તપાસ અને વ્યુહાત્મક નાકાબંધી
આ ઘટના અંગે દાહોદ ટાઉન 'એ' ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પંચમહાલ રેન્જ DIG વિધિ ચૌધરી અને દાહોદ SP રવિરાજસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ, દાહોદ LCB PI ડી.એમ. ઢોલ અને PSI એમ.એમ. માળીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
નેત્રમ કમાન્ડ કંટ્રોલ અને ટેકનિકલ સોર્સ દ્વારા તપાસ કરતા ગુનામાં વપરાયેલી એક સુઝુકી વિક્ટોરીસ કાર શંકાસ્પદ જણાઈ હતી. આ કાર રાજસ્થાન તરફથી ગુજરાત બોર્ડર ધાવડીયા તરફ આવતી હોવાની બાતમી મળતા પોલીસે વ્યુહાત્મક વોચ ગોઠવી કારને કોર્ડન કરી ત્રણેય આરોપીને દબોચી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલની વિગત
પોલીસે આરોપીઓ પાસેથી સોનાના બિસ્કિટ, રોકડ, મોબાઈલ અને કાર મળીને કુલ રૂ. 38.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓની વિગતો નીચે મુજબ છે:
| આરોપીનું નામ | રહેવાસી | જપ્ત કરાયેલો મુદ્દામાલ |
|---|---|---|
| દીપકસિંહ રમેશસિંહ રાજપૂત | દંતાલી, ખેડા | 70 ગ્રામ સોનું, 3500 રોકડા, મોબાઈલ |
| લલિતકુમાર દયાશંકર રાઠોડ | જોધપુર, રાજસ્થાન | 70 ગ્રામ સોનું, 1300 રોકડા, મોબાઈલ |
| આદિલ ઉર્ફે લાડેન વાહિદ મકરાણી | બાંસવાડા, રાજસ્થાન | 60 ગ્રામ સોનું, 790 રોકડા, મોબાઈલ, કાર |
આ ગુનામાં ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. માત્ર ગણતરીના કલાકોમાં આટલા મોટા કૌભાંડનો પર્દાફાશ કરીને 100 ટકા મુદ્દામાલ રિકવર કરવા બદલ દાહોદ પોલીસની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.
