Dahod News: દાહોદના ઝાલોદ તાલુકાના અનવરપુરામાં સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક 23 વર્ષિય માતાએ પોતાની બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. આ બનાવમાં માતા અને એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય એક બાળકીની શોધખોળ ચાલી રહી છે. બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરેટી વ્યાપી ગઇ છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યાનું પગલું ભર્યું
મળતી વિગતો અનુસાર, ઝાલોદના અનવરપુરા ગામે રહેતા 23 વર્ષીય સુનીતાબેન પપ્પુભાઈ કલારાએ આજે કોઈ અગમ્ય કારણોસર પોતાની 3 વર્ષની દીકરી પ્રાચી અને દોઢ વર્ષની દીકરી વંશી સાથે ગામમાં આવેલા કૂવામાં છલાંગ લગાવી દીધી હતી. માતા અને બે માસૂમ બાળકીઓ કૂવાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગ્રામજનોને આ અંગેની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
કલાકોની જહેમત બાદ બે મૃતદેહ મળ્યા, સર્ચ ઓપરેશન ચાલુ
ઘટનાની માહિતી મળતા જ ઝાલોદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી કૂવાના ઊંડા પાણીમાં શોધખોળ આદરી હતી. કલાકોની ભારે જહેમત બાદ માતા સુનીતાબેન અને એક બાળકીનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. માતા અને બાળકીની લાશ જોતા જ હાજર જનમેદનીની આંખો ભીની થઈ ગઈ હતી. જ્યારે અન્ય એક બાળકી હજુ સુધી મળી ન હોવાથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કૂવામાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સમગ્ર પંથકમાં માતમનો માહોલ
23 વર્ષની નાની ઉંમરે સુનીતાબેને આટલું મોટું અને આત્મઘાતી પગલું કેમ ભર્યું? તેની પાછળ ઘરકંકાસ, આર્થિક તંગી કે અન્ય કોઈ પારિવારિક કારણ જવાબદાર છે? તે દિશામાં ઝાલોદ પોલીસ દ્વારા પરિવારના સભ્યોની પૂછપરછ કરી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. એકસાથે ત્રણ જિંદગીઓ હોમાઈ જતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
