Dahod: દાહોદ જિલ્લામાં ચાલી રહેલી SIRની કામગીરીનું દબાણ હવે BLO તરીકે કામ કરતા કર્મચારીઓના આરોગ્ય પર અસર કરવા લાગ્યું છે. અગાઉ ખેડા જિલ્લાના કપડવંજમાં SIRનું કામ કરનારા શિક્ષકનું હાર્ટ એટેકથી મોત થયું હતુ, ત્યારે હવે દાહોદ જિલ્લાના ઝાલોદમાં BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઝાલોદ તાલુકાના સાદેડા વર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાતા અને હાલમાં BLOની કામગીરી સંભાળી રહેલા બચુભાઈ ડામોરની તબિયત અચાનક લથડી હતી. જેથી સાથી શિક્ષકો તેમદ ગ્રામજનોએ 108ની મદદથી તાત્કાલિક તેઓને દાહોદની ખાનગી રિધમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, છેલ્લા ચાર-પાંચ દિવસથી બચુભાઈ SIR અને BLO સબંધિત કામગીરીમાં સતત વ્યસ્ત હતા. કામના દબાણ અને સતત વધતી જવાબદારીના કારણે તેમને અચાનક એટેક આવ્યો હોવાનું કહેવાય છે. શારીરિક અને માનસિક થાક, કામના દબાણ અને ઊંઘના અભાવની તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.
બીજી તરફ બચુભાઈના પુત્ર જયદિપ ડામોરે સંગીન આક્ષેપ કરતાં જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી ઉચ્ચ અધિકારીઓ તરફથી તેમના પિતાને BLOની કામગીરી પૂર્ણ કરવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતુ. લાંબા સમય સુધી કામ, આરામનો અભાવ અને સતત દોડધામના કારણે તેઓ શારીરીક રીતે નબળા પડી ગયા હતા.
મારા પપ્પાને 4–5 દિવસથી ઘરે પૂરતો આરામ પણ મળતો ન હતો. સતત કોલ, દબાણ અને કામના ભાર વચ્ચે તેમની તબિયત સંપૂર્ણ રીતે બગડી ગઈ છે. .
આ ઘટના બાદ BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકો અને કર્મચારીઓમાં પણ ચિંતાનો માહોલ છે. SRI અને મતદાર યાદી સંબંધિત કામગીરી દરમિયાન વધતા દબાણ અંગે તેઓ વારંવાર પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે. બચુભાઈ ડામોરની આ ઘટનાએ ફરી એકવાર મેદાનમાં કામ કરતાં કર્મચારીઓની વાસ્તવિક પરિસ્થિતિ અને દબાણની ગંભીરતા સામે લાવી છે. સ્થાનિક શિક્ષક મંડળો અને ગ્રામજનોએ પણ આવા બનાવોને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા વ્યાજબી કાર્યબાર અને માનવીય અભિગમ અપનાવવાની માંગ કરી છે.
