Dahod: શિયાળાની સાથે લગ્નસરાની સિઝન નજીક આવતાં રાજ્યમાં બુટલેગરો ફરી સક્રિય બન્યા છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે વિવિધ યુક્તિઓ અપનાવાઈ રહી છે. જો કે દાહોદ પોલીસ પોતાની બાતમીદારોની મદદથી બુટલેગરોના આવા કીમિયાઓ પર સતત પાણી ફેરવી રહી છે. તાજેતરમાં પણ એક મોટો જથ્થો કતવારા પોલીસે ઝડપ્યો હતો, જેમાં ડુંગળીના કટ્ટાની આડમાં કરોડોનું દારૂ છુપાવી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એમ. ગાવિતને બાતમી મળી હતી કે રાજસ્થાનથી મધ્ય પ્રદેશ માર્ગે સફેદ રંગનો ટાટા કંપનીનો આઈસર ટેમ્પો દારૂ ભરી ગુજરાત તરફ આવી રહ્યો છે.
આ બાતમીને આધારે પીઆઈ ગાવિત, પીએસઆઈ વી.વી. નીનામા, એએસઆઈ અલ્તાપખાન બસીરખાન સહિતના સ્ટાફ દ્વારા કતવારા બાયપાસ નજીક કશીશ હોટલ પાસે મોડી રાત્રે વોચ ગોઠવવામાં આવી હતી. થોડા સમય બાદ બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી.
ડ્રાઈવર હનુમાનરામ સુખરામ જાંગુ (બિશ્નોઈ, રહેવાસી: બાડમેર-રાજસ્થાન)એ ગાડીમાં ડુંગળી ભરેલી હોવાનો દાવો કર્યો હતો. જો કે પોલીસે ટેમ્પો ખોલીને તપાસ કરતાં અંદર ડુંગળીના કટ્ટાની આડમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરેલો હોવાનું ખુલ્યું. પોલીસે કુલ 411 પેટીઓમાં ભરેલ 6732 નાની-મોટી બોટલો મળી રૂ. 64.11 લાખનો દારૂ જપ્ત કર્યો હતો. આ સાથે ટેમ્પો, બે મોબાઈલ ફોન તથા ડુંગળીના 50 કટ્ટા સહિત કુલ રૂ. 84.26 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે ડ્રાઈવર રાજસ્થાનથી દારૂ લઈ હળવદ (મોરબી) ખાતે બુટલેગરને પહોંચાડવા જતો હતો. વધુમાં આ હેરાફેરીમાં સામેલ અન્ય ત્રણ આરોપીઓ રાજેન્દ્ર રામ ઉર્ફે રાજુભાઈ દેવારામ જાંગુ, રાજુભાઈ સોહનલાલ તેતરવાલ (રાજસ્થાન) અને હળવદના બુટલેગર સામે પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
