Dahod News: દેવગઢ બારીઆ તાલુકામાં ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાનો હુમલો, મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુમિત્રાબેન રોજની જેમ પોતાના ખેતરમાં કામ કરી રહી હતી. એ દરમ્યાન નજીકના જંગલ વિસ્તારમાંથી નીકળેલા દીપડાએ મહિલાને નિશાન બનાવી ઝપાટો મારી હુમલો કર્યો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 18 Nov 2025 12:58 PM (IST)Updated: Tue 18 Nov 2025 12:58 PM (IST)
dahod-news-leopard-attacks-woman-working-in-field-in-village-of-devgarh-baria-640257

Dahod News: દાહોદ જિલ્લામાં વન્ય પ્રાણીઓની અવરજવર તેમજ હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં દેવગઢ બારીઆ તાલુકાના રામા ગામે દીપડાના હુમલાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. નદી કિનારે આવેલા ખેતરમાં કામ કરતી 50 વર્ષીય મહિલા સુમિત્રાબેન કાંતિભાઈ પટેલ પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. ખેતીની કામગીરી દરમિયાન મહિલા ઉપર થયેલા આ હુમલાને કારણે વિસ્તારમાં દહેશતનું માહોલ છવાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુમિત્રાબેન રોજની જેમ પોતાના ખેતરમાં કામ કરી રહી હતી. એ દરમ્યાન નજીકના જંગલ વિસ્તારમાંથી નીકળેલા દીપડાએ મહિલાને નિશાન બનાવી ઝપાટો મારી હુમલો કર્યો. અચાનક આવેલા દીપડાના હુમલા વચ્ચે પણ સુમિત્રાબેન ધૈર્ય ગુમાવ્યા વગર દીપડાને સામો જવાબ આપતાં જોરદાર બુમાબૂમ કરી હતી. તેમની ચીસો સાંભળી નજીકમાં કામ કરતા ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા. ગ્રામજનોની હાજરી અને બૂમાબૂમ વચ્ચે દીપડો ગભરાઈ જંગલ તરફ ભાગી છૂટ્યો હતો.

ઈજાગ્રસ્ત સુમિત્રાબેન પટેલને તાત્કાલિક સારવાર માટે દેવગઢ બારીઆના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ સારવાર હેઠળ છે. તબીબોના જણાવ્યા મુજબ હાલમાં તેમની સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ શરીરના વિવિધ ભાગોમાં ઘા લાગ્યાના કારણે વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ વનવિભાગના અધિકારીઓ અને કર્મીઓ તરત જ સ્થળ પર પહોંચ્યા અને સમગ્ર બનાવ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરી. વનવિભાગે દીપડાની હિલચાલ અને સુરક્ષાના પગલા અંગે ગામજનોને જરૂરી સૂચનાઓ આપી છે. ગ્રામજનોને સાવચેતી રાખવા અને નદી કિનારા તથા જંગલ વિસ્તારોમાં એકલામાં ન જવા અનુરોધવામાં આવ્યો છે.

ઘટનાને પગલે રામા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભય અને ચિંતા ફેલાઈ છે. સ્થાનિકો દ્વારા દીપડાના વધતા ઉપદ્રવને ધ્યાનમાં લઈને વનવિભાગે ઝડપથી અસરકારક પગલાં લેવા માંગ કરવામાં આવી છે. વનવિભાગે ગામની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવાની વાત કરી છે.