Dahod: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નાકટી ગામે એક રોમાંચક અને પડકારજનક રેસ્ક્યૂ ઑપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.
ખેડૂત મોતીભાઈ ડાયરાના ખેતરમાં આવેલા ખુલ્લા કૂવામાં 15 નવેમ્બરની મધરાત્રે એક દીપડો પડી ગયો હતો. રાત્રે અવાજ સાંભળી ખેડૂત કૂવા પાસે પહોંચ્યા અને દીપડાને જોઈ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. આ ઘટના બાદ ગામમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.
વન વિભાગની ટીમ રાતોરાત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ દીપડો કૂવાની દીવાલમાં ખોદેલી એક બખોલમાં ઊંડે જઈ છૂપાઈ ગયો હતો અને બહાર આવવા તૈયાર નહોતો. સૌપ્રથમ ટીમે વાંસની લાકડીના છેડે મોબાઇલ બાંધી અંદર મોકલી દીપડાની હાજરીની ખાતરી કરી.
જે બાદ પાંજરું અને લાકડાની નિસરણી કૂવામાં ઉતારવામાં આવી, તેમજ પાંજરામાં આહાર તરીકે મરઘી પણ મૂકવામાં આવ્યું, પરંતુ દીપડો બહાર જ ન આવ્યો.
આજની સવારથી ધાનપુર અને બારીયા રેન્જની સંયુક્ત ટીમ કુલ 70થી વધુ કર્મચારીઓ એક વિશાળ બચાવ અભિયાનમાં જોડાયા હતા. કૂવામાં મોટી જાળ ઉતારવામાં આવી અને એક અનુભવી કર્મચારી પાંજરામાં બેસીને નીચે ઉતર્યો. તેણે દીપડો છુપાયેલ તે બખોલને તોડીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. દીપડો બહાર તો આવ્યો, પરંતુ ક્ષણોમાં જ પાછો છલાંગ મારીને બખોલમાં જ ઘૂસી ગયો, જેના કારણે રેસ્ક્યૂ વધુ મુશ્કેલ બન્યો.
છેલ્લે પાંજરું બખોલની બાજુમાં મજબૂતીથી મૂકવામાં આવ્યું અને ઉપરથી વાંસની લાકડીઓ વડે ધીમે ધક્કા મારવામાં આવ્યા. અંતે દીપડો પાંજરામાં પ્રવેશ્યો અને દરવાજો આપમેળે બંધ થતાં તેને સલામત રીતે કેદ કરવામાં આવ્યો. ગામલોકોના સહકારથી પાંજરું કૂવાથી ઉપર ખેંચીને બહાર લાવવામાં આવ્યું.
વન વિભાગના જણાવ્યા અનુસાર, દીપડો સંપૂર્ણ સ્વસ્થ છે અને જરૂરી આરોગ્ય તપાસ બાદ તેને નજીકના જંગલમાં છોડવામાં આવશે. વન વિભાગની ઝડપી કાર્યવાહી અને ગામલોકોની સમજદારીથી એક મોટી જાનહાનિનો ભય ટળી ગયો છે. આ સમગ્ર ઘટના ફરી એકવાર બતાવે છે કે માનવ અને વન્યજીવન વચ્ચે સહઅસ્તિત્વ માટે સતર્કતા અને સંકલન કેટલું મહત્વપૂર્ણ છે.
