Dahod: દાહોદ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ એક જ રાત્રે વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરતા જિલ્લામાં હલચલ મચાવી છે. પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ત્રણ જુદી જુદી ટીમોએ દાહોદ એ ડિવિઝન, કતવારા અને ફતેપુરા પોલીસ સ્ટેશનની હદમાં ત્રણ સ્થળોએ ઓપરેશન ચલાવી કુલ રૂ. 2.86 કરોડનો મુદ્દામાલ કબજે કરી ચાર લોકોને પકડી પાડ્યા હતાં.
મળતી માહિતી મુજબ એલસીબીની ટીમો પડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી દાહોદ મારફતે રાજ્યના અન્ય જિલ્લામાં થઈ રહેલી દારૂની હેરાફેરીને રોકવા વિશેષ પેટ્રોલિંગ પર નીકળી હતી. આ દરમિયાન પ્રથમ ટીમે દાહોદ એ ડિવિઝન વિસ્તારમાં હરિયાણા પાસિંગની બંધ બોડી ટ્રક રોકી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી રૂ. 32.52 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર ભરેલી 206 પેટીઓ (6,384 બોટલ) મળી આવી. ટ્રક ડ્રાઈવર સાથે રૂ. 20 લાખની કિંમતની ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂ. 57.79 લાખનો મુદ્દામાલ કબજે કરાયો.
બીજી ટીમે કતવારા પોલીસ સ્ટેશનની હદમાં ખંગેલા ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી બે શંકાસ્પદ ટ્રકોને અટકાવી. બંને વાહનોમાંથી કુલ 1,160 પેટીઓમાં ભરેલા રૂ. 1.02 કરોડના દારૂનો જથ્થો મળી આવ્યો. ઉપરાંત હેરાફેરીને ઢાંકવા માટે રાખેલા રૂ. 46,750ના પશુ આહારના 187 કટ્ટા, રૂ. 25 લાખની કિંમતની 2 ટ્રક અને ડ્રાઈવર પાસેથી મોબાઈલ મળી કુલ રૂ. 1.27 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી બે વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા.
ત્રીજી ટીમે ફતેપુરા વિસ્તારમાં પાટવેલ ચેકપોસ્ટ પાસે ટોયોટા ઈનોવા કાર રોકી હતી. કારમાંથી રૂ. 3.59 લાખના દારૂ ભરેલી 50 પેટીઓ (1,056 બોટલ) મળી આવી. સાથે રૂ. 5 લાખની કાર અને ડ્રાઈવરનો મોબાઈલ મળી કુલ રૂ. 8.69 લાખનો મુદ્દામાલ કબજે કરાયો.
આમ એલસીબીની ત્રણ ટીમોએ મળીને દારૂ, વાહનો અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 2,86,68,750નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સફળ કામગીરીથી જિલ્લામાં ચાલતી દારૂ હેરાફેરી માફિયાઓમાં ફફડાટ મચ્યો છે.
