Dahod: શિયાળો જામતા જ ગુજરાતના અલગ-અલગ ભાગોમાં કૂતરાઓના હુમલાના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં પણ સુરત અને ગોધરા સહિતના શહેરોમાં રખડતા કૂતરાઓએ નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ સુધીના લોકો પર હુમલા કરીને તેમને લોહીલુહાણ કરી નાંખ્યા છે, ત્યારે હવે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામમાં હડકાયા કૂતરાંનો આતંક નોંધાયો છે.
હકીકતમાં ગઈકાલે મોડી રાતે હડકાયા કૂતરાએ ઘુઘસ ગામ માથે લીધુ હતુ. આ કૂતરું ઘરમાં સૂઈ રહેલા લોકો પર હુમલો કરીને ભાગી જતાં અડધી રાતે ગામમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ હડકાયા કૂતરાએ 22થી વધુ ગ્રામજનોને ચહેરા, મોંઢા અને હાથના ભાગે બચકાં ભરીને લોહીલુહાણ કરી નાંખ્યા હતા.
આ અંગે ઘુઘસ ગામમાં રહેતા સુરપાલ પારઘીએ જણાવ્યું કે, મધરાતે એક હડકાયું કૂતરું અચાનક ઘરમાં ઘૂસી આવ્યું હતુ અને સૂઈ રહેલા લોકો પર તૂટી પડ્યું હતુ. આ કૂતરું એક પછી એક ઘરમાં ઘૂસીને લોકોને બચકાં ભરીને ભાગી ગયું હતુ. જેના કારણે ભયના માર્યા લોકો બહાર દોડી આવ્યા હતા.
કૂતરાના હુમલામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક ફતેપુરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર પુરી પાડ્યા બાદ ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સઘન સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
આ હુમલા બાદ ઘુઘસ ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ પ્રશાસન સામે હડકાયેલા શ્વાનને તાત્કાલિક પકડી નાશ કરવા, ગામમાં રેબીઝ વિરોધી રસીકરણ અને ડોગ કન્ટ્રોલની તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઊભી કરી છે.
