Dahod: ગોધરામાં રખડતા શ્વાનનો વધતો આતંક, 9 દિવસમાં 123 લોકો પર હુમલા કર્યા

ગોધરાના અનેક વિસ્તારોમાં રખડતા શ્વાનોના ઝૂંડ જોવા મળતા સ્થાનિક રહીશો, વૃદ્ધો, મહિલાઓ અને ખાસ કરીને શાળાના બાળકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 09 Dec 2025 11:45 PM (IST)Updated: Tue 09 Dec 2025 11:45 PM (IST)
dahod-news-stray-dogs-stray-menace-in-godhara-attack-on-123-in-last-9-days-652618
HIGHLIGHTS
  • દરરોજ 12થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા આવી રહ્યા છે
  • ગોધરા સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસીનો પુરતો જથ્થો ઉપલબ્ધ

Dahod: ગોધરા શહેર અને તાલુકામાં રખડતા શ્વાનોનો આતંક સતત વધી રહ્યો છે. ગોધરા સિવિલ હોસ્પિટલના સત્તાવાર આંકડા મુજબ, માત્ર 9 દિવસમાં શ્વાન અને અન્ય પ્રાણીઓના હુમલાના કુલ 123 કેસ નોંધાયા છે.

1 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર વચ્ચે શ્વાન કરડવાના 114 અને અન્ય પ્રાણીઓ કરડવાના 9 કેસ સામે આવ્યા છે. સરેરાશ દરરોજ 12થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલનો દાદરા ચઢવા પડી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલના ડૉ. આશિષ ખરાદીએ જણાવ્યું કે, શ્વાન કરડવાના તમામ દર્દીઓને તાત્કાલિક હડકવા વિરોધી રસી આપવામાં આવી છે અને હોસ્પિટલમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

શહેરમાં અનેક વિસ્તારોમાં રખડતા શ્વાનોના ટોળા જોવા મળતા હોય, સ્થાનિક રહીશો, વૃદ્ધો, મહિલાઓ અને ખાસ કરીને શાળાના બાળકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. નગરપાલિકા તંત્રની કાર્યશૈલી પર લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

નાગરિકોનો આક્ષેપ છે કે શ્વાનોને પકડવા, તેમની ગણતરી કરવા અથવા ખસીકરણ અંગે કોઈ પ્રભાવશાળી કામગીરી જોવા મળી રહી નથી. ફરિયાદો છતાં તંત્રનું કામ કાગળ પર પૂરતું રહી ગયું હોવાનો રોષ નાગરિકોમાં જોવા મળે છે.

આ અંગે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું કે, શ્વાન પકડવાની કામગીરી અંગે જાહેરનામું જારી કરવા સૂચના આપવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખાસ ડ્રાઈવ શરૂ કરવાની તાકીદ કરવામાં આવી છે.