Gujarat Rain Report, 28 July: ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા વરસાદના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. તારીખ 27 જુલાઈ સવારે 6 વાગ્યાથી 28 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે, જેમાં મધ્ય અને પૂર્વ ગુજરાતમાં મેઘરાજા વધુ મહેરબાન રહ્યા છે.
જેતપુર પાવી અને લીમખેડામાં સૌથી વધુ વરસાદ
આ પણ વાંચો
છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, છોટાઉદેપુર જિલ્લાનો જેતપુર પાવી તાલુકો વરસાદમાં સૌથી મોખરે રહ્યો છે. અહીં સૌથી વધુ 68 મિમી એટલે કે 2.68 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારબાદ બીજા ક્રમે દાહોદના લીમખેડામાં પણ 53 મિમી (2.09 ઈંચ) વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પણ 49 મિમી (1.93 ઈંચ) વરસાદ વરસ્યો છે.
અમદાવાદ અને ખેડા જિલ્લામાં પણ સારો વરસાદ
આ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવી છે. અમદાવાદના ધંધુકામાં 45 મિમી (1.77 ઇંચ) વરસાદ નોંધાયો છે. ખેડા જિલ્લાના ઠાસરામાં 44 મિમી (1.73 ઇંચ) અને દાહોદના ફતેપુરામાં પણ સમાન 44 મિમી વરસાદ નોંધાયો છે. અન્ય નોંધપાત્ર વિસ્તાર જ્યાં 1.5 ઇંચ કે તેથી વધુ વરસાદ થયો છે. તેમાં બનાસકાંઠાના અમીરગઢ (43 મિમી), ખેડાના મહેમદાવાદ (42 મિમી), અમદાવાદના દસક્રોઈ (39 મિમી) અને બનાસકાંઠાના પાલનપુર (38 મિમી) નો સમાવેશ થાય છે.
| જિલ્લો | તાલુકો | કુલ વરસાદ (મીમી) | કુલ વરસાદ (ઈંચ) |
|---|---|---|---|
| છોટાઉદેપુર | જેતપુર પાવી | 68 | 2.68 |
| દાહોદ | લીમખેડા | 53 | 2.09 |
| મહીસાગર | સંતરામપુર | 49 | 1.93 |
| અમદાવાદ | ધંધુકા | 45 | 1.77 |
| ખેડા | ઠાસરા | 44 | 1.73 |
| દાહોદ | ફતેપુરા | 44 | 1.73 |
| બનાસકાંઠા | અમીરગઢ | 43 | 1.69 |
| ખેડા | મહેમદાવાદ | 42 | 1.65 |
| અમદાવાદ | દસક્રોઈ | 39 | 1.54 |
| બનાસકાંઠા | પાલનપુર | 38 | 1.50 |
રાજ્યના 155 તાલુકામાં વરસાદી માહોલ
આ સમયગાળા દરમિયાન રાજ્યના કુલ 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી ઓછો 1 મિમી વરસાદ મહેસાણા, સાબરકાંઠા, જૂનાગઢ, ભાવનગર અને વડોદરાના અમુક તાલુકા જેમ કે મહેસાણા, કડી, વડાલી, માંગરોળ, ભાવનગર, પાલીતાણા, ડભોઈ વગેરેમાં નોંધાયો છે. મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો અને હળવો વરસાદ નોંધાયો છે, જે ખેતીના પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે.
