Dahod News: ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે જ ખાબકેલા મુષળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે દિલ્હી-મુંબઈ મુખ્ય રેલ વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. મુંબઈ તરફ જતી અનેક મહત્વપૂર્ણ એક્સપ્રેસ ટ્રેનો કલાકો સુધી મોડી પડી રહી છે, જ્યારે કેટલીક ટ્રેનોને વચ્ચેના જ સ્ટેશનો પર રોકી દેવામાં આવતાં હજારો પ્રવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
લીમખેડા સ્ટેશને જયપુર-બાન્દ્રા એક્સપ્રેસ 9 કલાક ફસાઈ
સૌથી ગંભીર સ્થિતિ લીમખેડા સ્ટેશન પર જોવા મળી હતી. જયપુરથી મુંબઈ બાન્દ્રા તરફ જતી ટ્રેન નંબર 12980 (જયપુર-બાન્દ્રા એક્સપ્રેસ) સવારે આશરે 6:00 વાગ્યે દાહોદ પહોંચી હતી. ત્યાંથી આગળ વધ્યા બાદ સવારે 8:00 વાગ્યે લીમખેડા સ્ટેશને આવ્યા પછી આગળનો રૂટ ક્લિયર ન હોવાથી ટ્રેનને રોકી દેવામાં આવી હતી. છેલ્લા 9 કલાકથી પણ વધુ સમયથી ટ્રેન એક જ જગ્યાએ ઊભી રહેતાં મુસાફરોની ધીરજ ખૂટી ગઈ હતી.

ભોજન-પાણી વિના બાળકો અને વૃદ્ધો બેહાલ
લીમખેડા ખાતે કલાકો સુધી અટવાયેલા પ્રવાસીઓ માટે રેલવે પ્રશાસન દ્વારા પીવાના પાણી કે ભોજનની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આ અણધારી આફતને કારણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો તરસ અને ભૂખથી બેહાલ બન્યા હતા. પ્રવાસીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તંત્રની આટલી નબળી કામગીરી અને પૂર્વ તૈયારીઓના અભાવ સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

દાહોદ સ્ટેશને ટ્રેનો 14 કલાક મોડી પડતાં આક્રોશ
બીજી તરફ, દાહોદ રેલવે સ્ટેશન ખાતે પણ ટ્રેનોના સમયપત્રક સંપૂર્ણપણે ખોરવાઈ જતાં મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે ટ્રેનોમાં પૂરતી સફાઈ નથી અને ટ્રેનો ક્યારે ઉપડશે કે ક્યારે આવશે તે અંગે રેલવે સ્ટાફ તરફથી કોઈ સ્પષ્ટ કે યોગ્ય માહિતી આપવામાં આવી રહી નથી.
બાંદ્રા-ઉદેપુર એક્સપ્રેસ: સવારે 4:00 વાગ્યે આવવાને બદલે પૂરા 14 કલાક મોડી એટલે કે સાંજે 5:00 વાગ્યે પહોંચી હતી.
પશ્ચિમ એક્સપ્રેસ: સવારે 6:૦૦ વાગ્યાના નિર્ધારિત સમય કરતાં 12 કલાક મોડી સાંજે 6:50 વાગ્યે દાહોદ સ્ટેશને આવી હતી.

રેલવે વિભાગ દ્વારા હેલ્પ ડેસ્ક કાર્યરત
સ્થિતિની ગંભીરતા અને મુસાફરોના વધતા રોષને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા દાહોદ સ્ટેશન ખાતે તાત્કાલિક અસરથી એક ‘હેલ્પ ડેસ્ક’ શરૂ કરવામાં આવ્યું છે. આ હેલ્પ ડેસ્ક દ્વારા મુસાફરોને ટ્રેનોના વિલંબ, ડાયવર્ઝન અને સમયપત્રક અંગેની માહિતી પૂરી પાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જોકે, કલાકોના વિલંબ અને સુવિધાઓના અભાવને કારણે મુસાફરોમાં હજુ પણ ભારે અસંતોષ અને વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે.

