UpdatedIST

સોનાના બદલે "ચાંદીનું મંગળસૂત્ર", આદિવાસી પટેલિયા સમાજનો ક્રાંતિકારી નિર્ણય, નવું બંધારણ અમલમાં આવ્યું

આદિવાસી પટેલિયા સમાજની પહેલ દીકરીના સન્માન સાથે શિક્ષણને પ્રોત્સાહન આપતું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 07 Feb 2026 09:37 AM (IST)Updated: Sat 07 Feb 2026 09:37 AM (IST)
silver-mangalsutra-instead-of-gold-new-bandharan-of-adivasi-pateliya-samaj-687405
HIGHLIGHTS
  • આદિવાસી પટેલીયા સમાજ પાંદડી ફળીયા પંચનું નવું બંધારણ
  • લગ્નમાં સોનાના બદલે ચાંદીનું મંગળસૂત્ર આપવાનો નિર્ણય કર્યો
  • દીકરીની યાદગીરી તરીકે વરપક્ષ પાસેથી શિક્ષણ ફંડ પેટે રૂ. 500

Adivasi pateliya samaj bandharan: મોંઘવારીના આ યુગમાં સામાજિક પ્રસંગો અને ઉજવણીઓમાં અનેક પરિવારો બિનજરૂરી ખર્ચ કરી લાખો રૂપિયાનો ધુમાડો કરે છે. જોકે, આવી પ્રથાઓને અનુસરતા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો આર્થિક ભારમાં પીસાય છે. આવી બદીઓને દૂર કરતા આદિવાસી પટેલીયા સમાજ પાંદડી પટેલ ફળીયા પંચ દ્વારા નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે.

આદિવાસી પટેલિયા સમાજનું નવું બંધારણ

ગરબાડા તાલુકાના પાંદડી ખાતે આદિવાસી પટેલ ફળિયા પંચ દ્વારા સામાજિક દાગીનાની લેવડ-દેવડ અને અન્ય રીત-રિવાજો અંગે નવા સુધારા સાથેનું બંધારણ સર્વાનુમતે અમલમાં મૂક્યું છે. ​નવા સુધારા મુજબ, લગ્ન પ્રસંગમાં અગાઉ અપાતી સોનાની ચેનને સ્થાને હવેથી ચાંદીનું મંગળસૂત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સોનાના બદલે "ચાંદીનું મંગળસૂત્ર"  

વર્તમાન સમયમાં સોના અને ચાંદીના ભાવમાં થઈ રહેલા વધારાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે સામાજિક પ્રસંગોમાં આર્થિક આયોજન મુશ્કેલ બની રહ્યા છે. મોંઘવારીના આ યુગમાં ખોટા ખર્ચ અને દેખાદેખીની પ્રથા દૂર કરી સમાજને નવી રાહ ચીંધવા આદિવાસી પટેલીયા સમાજ પાંદડી પટેલ ફળીયા પંચ દ્વારા લગ્નપ્રસંગમાં આવતા સોનાની ચેનના સ્થાને હવે ચાંદીનું મંગળસૂત્ર આપવાનો નિર્ણય કર્યો છે.

મોંઘા દાગીના આપવાની પ્રથા સદંતર બંધ

પાંદડી પટેલ ફળીયા પંચ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, લગ્નમાં હવે માત્ર ચાંદીનું મંગળસૂત્ર, સોનાનો કાંટો અને ઝાંઝરી જ આપી શકાશે. આ સિવાય સગાઈમાં અગાઉ જે મંગળસૂત્ર, છડા કે અન્ય કોઈપણ પ્રકારના મોંઘા દાગીના આપવાની પ્રથા હતી, તે હવેથી સદંતર બંધ કરવામાં આવી છે.

દહેજની કુપ્રથા બંધ, માત્ર સવા રૂપિયાનો સ્વિકાર  

દાગીના ઉપરાંત પાંદડી પટેલ ફળીયા પંચ દ્વારા સામાજિક ઉત્થાન માટે પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રૂ. 500 શિક્ષણ ફંડ પેટે નક્કી કર્યા છે. સાથો સાથ દહેજ જેવી કુપ્રથાને ડામવા માટે માત્ર સવા રૂપિયો જ સ્વીકારવાનું અને પંચના બંધારણ પેટે 551 રૂપિયાની રકમ નિર્ધારિત કરવામાં આવી છે.

શિક્ષણ ફંડ પેટે રૂ. 500 

લગ્ન પ્રસંગને સમાજ ઉપયોગી બનાવવા દીકરીની યાદગીરી તરીકે વરપક્ષ પાસેથી રૂ. 500 શિક્ષણ ફંડ પેટે લેવામાં આવશે. આ રીતે એકત્ર થનારી રકમ ગામના ગરીબ અને વંચિત બાળકોના શિક્ષણ માટે વાપરવામાં આવશે. ફંડમાંથી બાળકોને પાઠ્યપુસ્તકો, જનરલ નોલેજના પુસ્તકો તથા બોલપેન જેવી જરૂરી શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવામાં આવશે. 

ગ્રામજનો-અગ્રણીઓએ વધાવ્યો નિર્ણય

પંચ આગેવાન ભારતસિંહ પસાયાએ જણાવ્યું કે, પાંદડી પટેલ ફળીયા પંચ દ્વારા એક સગાઈ પ્રસંગે ભેગા થઇ નિર્ણય લેવાયો કે, લગ્ન પ્રસંગે આપતા 3 દાગીના પૈકી સોનાની ચેનની જગ્યાએ ચાંદીનું મંગળસૂત્ર આપશે. આ નિર્ણયથી સમાજના પરિવાર આર્થિક પાયમાલીથી બચશે. આ પ્રશંસનીય નિર્ણયને ગ્રામજનો અને અગ્રણીઓ દ્વારા હર્ષભેર વધાવી લેવામાં આવ્યો છે.