Dang Rain News: દક્ષિણ ગુજરાતના પહાડી જિલ્લા ડાંગમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં અનરાધાર વરસાદ ખાબક્યો છે, જેને કારણે વનરાજી ખીલી ઉઠી છે પરંતુ સાથે જ જનજીવન પર માઠી અસર પડી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ, ડાંગના વધઈ અને સુબિર તાલુકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં ડાંગમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
- વધઈ: 13.43 ઇંચ,
- સુબિર: 13.23 ઇંચ,
- ડાંગ-આહવા: 9.09 ઇંચ,
ડાંગનો નાયગ્રા 'ગીરાધોધ' ખીલી ઉઠ્યો
ડાંગ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને લીધે અંબિકા નંદીમાં નવા નીરની આવક શરુ થઈ. જેથી આંબાપાડા નજીક આવેલ ડાંગના નાયગ્રા તરીકે પ્રખ્યાત ગીરાધોધ ફરી એક વાર પોતાના પૂર્ણ સૌંદર્ય સાથે ખીલી ઉઠ્યો છે. અંદાજે 100 ફૂટ ઉંચાઈએથી ખાબકતા આ જળપ્રવાહના ખૂબ જ મનમોહક દ્રશ્યો સર્જાયા છે. જેથી પ્રવાસીઓ માટે આ ધોધ હાલ મુખ્ય આકર્ષણનો કેન્દ્ર બન્યો છે.

પ્રવાસીઓમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર
સહ્યાદ્રી પર્વત શ્રૃંખલામાંથી નીકળતી અંબિકા નદી ડાંગમાં લગભગ 300 ફૂટના પટમાં વહીને વિશાળ જળપ્રપાત સ્વરુપે વહે છે. હાલ ચોમાસાના આગમનની સાથે ધોધનું રમણીય સ્વરુપ જોવા લાયક છે. ધોધની નજીક જતાં પાણીના અમી છાંટણા પ્રવાસીઓને રોમાંચિત કરે છે. ડાંગમાં આ સ્થળે પ્રવાસનને વેગ આપવા માટે અહીં જિલ્લા તંત્ર દ્વારા અંદાજે રુ.2.15 કરોડના ખર્ચે સોવેનિયર શોપ સંકુલનો વિકાસ કરવામા આવ્યો છે.
